
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનભાઇ મેવાડા દ્વારા) સુરત
ગુજરાત સરકાર ને પંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર પાસેથી દર વર્ષે અનુદાન મળે છે. એ છ વેરાઓમાંથી મળે છે. આવકવેરો, કંપનીવેરો, સંપત્તિવેરો, સેવા વેરો, આબકારી જકાત અને કસ્ટમ જકાત. આ ગ્રાન્ટ એવી હોય છે કે જે બિન-શરતી હોય છે એટલે ગુજરાત સરકારને એનો જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં કરી શકે છે. દરેક રાજ્ય ને નાણાં પંચ દ્વારા મોટા ભાગે વસતિ, ગરીબી અને રાજ્યના બજેટની સ્થિતિ જેવા ધોરણોને આધારે ગ્રાન્ટ આપવાની ભલામણ કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે જે રાજ્યની વસતિ વધારે હોય અને જે રાજ્યમાં ગરીબી વધારે હોય તે રાજ્યને નાણાં વધારે મળે છે.
આ વાત એટલા માટે કરવાની કે જ્યારે રાજ્યને ડેવલપ કરવા કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે છે. ત્યારે એ પૈસાનો ઉપયોગ પ્રજાની સુવિધાઓ માટે કરવાનો હોય છે. અને એ સુવિધાઓ મેળવવા માટે જનતા સરકારી કચેરીમાં જાય છે ત્યારે એની પાસે જે વહેવારની વાત કરાય છે એને લઇને ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરમાં કબૂલ કરવું પડયુ કે મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. અને માત્ર મહેસૂલ ખાતું જ નહીં પરંતુ પોલીસ ખાતું (ગૃહ વિભાગ) કે જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાઓ કેમ ના હોય? દરેક જગ્યાએ ભ્રષ્ટાચારીઓ અને લાંચિયાઓ બેઠેલા જ હોય છે. અને એ વાતને ભાજપના જ સાંસદ મનસુખ વસાવા એ પણ અનુમોદન આપતા ગુજરાતમાં ભ્રષ્ટાચારી
શાસન છે. એ હવે જગજાહેર થઇ ગયું છે. કારણ ભ્રષ્ટાચાર શિક્ષણથી લઈને મોટી-મોટી ઇમારતો બાંધવા સુધી ફેલાયેલો છે. એટલે કે પાયાથી લઇ બિનધિકૃત ઇમારતો સુધી ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. અને આ બાબતે ભાજપ ના જ ધારાસભ્ય કુમાર કાનાણી એ વારંવાર બિનઅધિકૃત બાંધકામ, ટ્રાફિક સમસ્યા હોય, કે પોલીસે કરેલો જનતા પર અત્યાચાર કેમ ના હોય કે પછી નવી સિવિલ હોસ્પિટલ સુરતની સાથે સાથે સુરત મ.ન.પા કે પછી ભરતી કૌભાંડ જેવા કૌભાંડો સામે વારંવાર અવાજો ઉઠાવતા આવ્યા છે અને સરકારનું ધ્યાન દોરીને પ્રજા હિતમાં નિષ્પક્ષ રીતે રજૂઆત કરતાં રહ્યા છે.
હાલ માં જ રાજ્યના મહેસૂલ વિભાગે મહેસાણાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ બિકિશા પટેલ (વર્ગ-૧) અને ભાવનગર-પશ્ચિમના જમીન દફતર નિરીક્ષક (ઇ.ચા. જમીન દફતર નિરીક્ષક ભાવનગર-પૂર્વ) કે.એમ. પંડયા (વર્ગ-૨) ને ફરજ મોકૂફી હેઠળ મૂકવા હુકમ કર્યો છે.
કારણ એ હતું કે કચેરીમાં પ્રજાની કામગીરી નિયત પ્રક્રિયા અનુસાર કાર્યવાહી થતી ન હોવાનું સામે આવ્યું હતું. જ્યાં સમય અનુસાર અરજીઓનો નિકાલ કરાતો ના હતો. ઉપરાંત પ્રજાના અનેક કામો માટે અનેક ધક્કાઓ ખવડાવી ને અધિકારીઓની ફાઈલો ઉપર વજન મૂકો તો જ કામો થતા હોવાનું પણ જાણવા મળતા બંને અધિકારીઓને ફરજ મોકૂફી નો હુકમ કરવામાં આવ્યો હતો.
હવે જ્યારે વાત ભ્રષ્ટાચારની થાય છે ત્યારે ભ્રષ્ટાચારે હવે કોઈ ખૂણો બાકી નથી રાખ્યો કે જ્યાં ભ્રષ્ટાચારે પગપેસારો નહીં કર્યો હોય? આતો થઇ સરકારી ખાતાની વાત પણ ભ્રષ્ટાચાર હવે ધાર્મિક મંદિરો સુધી જ્યારે પગપેસારો કરી ગયો હોય ત્યારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર વાતો તો સુશાસનની કરે છે જ્યારે આચરણ સાવ જ વિરુધ્ધનું છે. જે ભ્રષ્ટાચારને સરકાર શોધી શકતી ન હોવા છતાં (આમતો જાણતા હોવા છતાં ભ્રષ્ટાચાર થી અજાણ રહેવું) પોતાને સરકાર સુશાસિત ગણાવે છે.
સરકાર સુશાસિત ત્યારે જ કહેવાશે કે જ્યારે પકડાયેલા ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ નહિ ડીસમીસ કરીને એમના તમામ નીકળતા લાભો અટકાવવા સાથે એમણે વસાવેલી તમામ માલ-મિલકતો જપ્ત કરી એની હરાજી કરીને નાણાં રાજ્યની તિજોરી માં જમા કરાવવા સાથે ગેરકાયદે ઉભી કરેલી મિલકતોને જમીન દોસ્ત કરવા સાથે જેલના સળિયા ગણાવે ત્યારે જ સાચું સુશાસન કહેવાશે.




