543 લોકસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. આ સાથે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ ગઈ છે. હવે ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું છે. દરમિયાન, ચૂંટણી પંચે કહ્યું કે આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભા પેટાચૂંટણી માટે મતોની ગણતરી 4 જૂને સવારે 8 વાગ્યે શરૂ થશે. લોકસભા ચૂંટણી તેમજ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની મતગણતરી રવિવારે સવારે 6 વાગ્યાથી શરૂ થશે.
પરિણામ મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને રિટર્નિંગ ઓફિસરો સાથે મત ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે મત ગણતરીના વલણો અને પરિણામો પંચની વેબસાઇટ તેમજ મતદાર હેલ્પલાઇન એપ iOS અને એન્ડ્રોઇડ મોબાઇલ એપ પર ઉપલબ્ધ રહેશે. વોટર હેલ્પલાઇન એપ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. મતદાર હેલ્પલાઈન એપ પરથી મતદારક્ષેત્ર મુજબ અથવા રાજ્ય મુજબના પરિણામો તેમજ વિજેતા અથવા આગળ કે પાછળ રહેલા ઉમેદવારોની વિગતો જાણવા માટે વપરાશકર્તાઓ ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકે છે.
ચૂંટણી અધિકારીઓ-મત ગણતરી એજન્ટો માટે હેન્ડબુક બહાર પાડવામાં આવી
કમિશને રિટર્નિંગ ઓફિસર્સ અને કાઉન્ટિંગ એજન્ટ્સ માટે એક બુકલેટ પણ જારી કરી છે, જે ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર મતગણતરી વ્યવસ્થા, ગણતરીની પ્રક્રિયા અને EVM/VVPAT ના સંગ્રહ માટે કમિશનની સૂચનાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. 543 લોકસભા બેઠકો સાથે, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. સાત તબક્કામાં યોજાયેલી મતદાન પ્રક્રિયા શનિવારે પૂર્ણ થઈ હતી.