
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
ભારતમાં આજે સ્થિતિ એવી છે કે, જે ખેડૂતો મહેનત કરે છે, પોતાની રીતે વીજળી, પાણી, ખાતર, બિયારણ વિગેરેનું વ્યાન રાખે છે અને કદાચ કુદરતનો સાથ તેમને મળી જાય છે તેવા તમામ ખેડૂતોના ખેતરોમાં મબલખ પાક ઊગે છે. સમસ્યા એ થાય છે કે, પોસ્ટરોમાં વિકાસ બતાવતી અને આંકડાઓમાં દેશની પ્રગતિ રજૂ કરતી સરકાર આ ખેડૂતના પાકને બજાર સુધી યોગ્ય ભાવે પહોંચાડી શકતી નથી. તેના પગલે અનાજ અને શાકભાજી સડવા લાગે છે. અને લોકો સુધી પહોંચતા જ નથી. સ્થિતિ એવી થયેલી છે કે, ખેતરોમાં અનાજ અને શાકભાજી છે પણ પ્રજા સુધી પોષણ પહોંચતું જ નથી. જાણકારોના મતે અહીં જ ભારતના ખાદ્ય સંકટનો સૌથી મોટો વિરોધાભાસ સામે આવ્યો છે. દેશમાં અનાજની અછત નથી, પરંતુ સંતુલિત પોષણનો અભાવ હજુ પણ ગંભીર છે.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના અહેવાલો અનુસાર ભારતમાં આશરે 35.5% બાળકોની ઊંચાઈ તેમની ઉંમરના પ્રમાણમાં ઓછી છે. અને 19.3% બાળકો ઓછા વજનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. બીજી તરફ મહિલાઓમાં એનિમિયા અને શહેરી વિસ્તારોમાં વધતો સ્થૂળતાનો દર એક અલગ ચિંતા ઊભી કરી રહ્યો છે. સસ્તો અને વધુ પ્રોસેસ્ડ ખોરાક ઘણા પરિવારો માટે મજબૂરી બની રહ્યો છે. પરિણામે ભારત એક સાથે અલ્પપોષણ અને સ્થૂળતાના બેવડા બોજનો સામનો કરી રહ્યું છે.
આ સ્થિતિ વધારે જોખમી અને ભયાનક છે. એક તરફ છેવાડાની વસ્તીને પોષણ મળતું નથી. બીજી તરફ શહેરી વસ્તી સતત ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ઉપર નિર્ભર થતી જાય છે અને સ્વાસ્થ્ય પર તેની પણ વિપરીત અસર થઈ રહી છે. અહીં ખાસ વાત એ છે, કેન્દ્રીય કૃષિ મંત્રાલયના નવેમ્બર ૨૦૨૫ ના અંતિમ અંદાજ મુજબ દેશે આશરે ૩૬ કરોડ ટન અન્નનું ઉત્પાદન કર્યું હતું. જાણકારો માને છે કે, આ પડકારના મૂળ અનેક સ્તરો પર ફેલાયેલા છે. મોંઘવારી, ડીઝલ અને ખાતરના વધતા ભાવ તેમજ કઠોળ અને તેલીબિયાંની આયાત પર નિર્ભરતા કૃષિ વ્યવસ્થા પર દબાણ લાવે છે, જે ખાદ્ય સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે.




