
ચાહકોને આપ્યો ખાસ ‘મેસેજ’ પૂજા હેગડેએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી પૂજા હેગડે દ્વારા આ પ્રકારની મૂર્તિ અપનાવવાથી ગ્રીન ગણપતિનબી સંકલ્પનાને પણ પ્રોત્સાહન મળ્યું ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર નજીક આવતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે. મુંબઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરો અને જાહેર પંડાલોમાં ગણપતિ બાપ્પાના આગમનની તૈયારીઓ ધૂમધામથી શરૂ થઈ ગઈ છે. જાેકે, આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અનેક લોકો પરંપરાગત ઉજવણીની સાથે ગ્રીન ગણપતિ અને ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ પણ વળી રહ્યા છે.અભિનેત્રી પૂજા હેગડે પણ આ ઈકો ફ્રેન્ડલી પહેલનો હિસ્સો બની છે. પૂજા હેગડેએ આ વર્ષે સીડ-એમ્બેડેડ એટલે કે બીજ ધરાવતી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અપનાવી છે. આ મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવી છે અને તેમાં છોડના બીજ મૂકવામાં આવ્યા છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ આ મૂર્તિનું વિસર્જન પરંપરાગત રીતે જળાશયમાં કરવાની જગ્યાએ તેને માટી ભરેલા કુંડા અથવા કન્ટેનરમાં વિસર્જિત કરી શકાય છે. યોગ્ય સંભાળ અને નિયમિત પાણી આપવાથી મૂર્તિમાં રહેલા બીજમાંથી છોડ ઉગી શકે છે.આ અનોખી પહેલ ભક્તિ અને પર્યાવરણ સંરક્ષણને એકસાથે જાેડે છે. સામાન્ય રીતે કેટલીક પરંપરાગત ગણેશ મૂર્તિઓમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને રંગો મૂર્તિના વિસર્જન દરમિયાન નદીઓ, તળાવો અને અન્ય જળાશયો માટે નુકસાનકારક બની શકે છે. તેના કારણે જ છેલ્લા કેટલાક વર્ષાેમાં માટીની મૂર્તિ, કુદરતી રંગો અને પર્યાવરણમૈત્રી સજાવટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સીડ-એમ્બેડેડ ગણેશ મૂર્તિની સૌથી વિશેષ વાત એ છે કે ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ પણ તેની સાથે ભક્તોનું જાેડાણ જળવાઈ રહે છે. મૂર્તિને માટી ભરેલા કુંડામાં મૂક્યા બાદ તેમાં રહેલા બીજને પાણી અને યોગ્ય સંભાળ મળે તો તેમાંથી છોડ ઉગી શકે છે. આ રીતે પરંપરાગત વિસર્જનને પર્યાવરણમૈત્રી અને હરિયાળા સંદેશ સાથે નવી દિશા મળે છે.પૂજા હેગડે દ્વારા આ પ્રકારની મૂર્તિ અપનાવવાથી ગ્રીન ગણપતિનબી સંકલ્પનાને પણ પ્રોત્સાહન મળ્યું છે. પૂજા હેગડે ઉપરાંત દક્ષિણ ભારતીય અભિનેતા ચિરંજીવીએ પણ ૩૧ ઓગસ્ટના રોજ ઈકો-ળેન્ડલી સીડ ગણેશ અભિયાનની શરૂઆત કરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણનું જતન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.મુંબઈમાં ગણેશ ચતુર્થી ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ઘરો અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના સાથે પૂજા, આરતી, સંગીત અને વિવિધ પ્રકારની સજાવટ કરવામાં આવે છે. પરંતુ મોટા પાયે થતી મૂર્તિઓની સ્થાપના અને વિસર્જનને કારણે જળ પ્રદૂષણ અંગે પણ દર વર્ષે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. આ જ કારણસર પર્યાવરણપ્રેમી સંગઠનો, નાગરિકો અને સેલિબ્રિટીઓએ ભક્તોને માટીની ગણેશ મૂર્તિઓ, કુદરતી રંગો તથા ટકાઉ અને પર્યાવરણપૂરક સજાવટ અપનાવવાની અપીલ કરી છે.




