
૨૦ પાકિસ્તાની સૈનિકોના મોત બલૂચિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિ, ૧૨ શહેરો પર હુમલો થયો બલોચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાને પોતાના ઓપરેશન હીરોફના બીજા તબક્કાનો ભાગ ગણાવ્યો છે.
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ છે. બલોચ લડવૈયાઓએ એક સાથે કેટલાય શહેરોને ટાર્ગેટ કરતા મોટા પાયે હુમલા કર્યા છે. જેમાં આખા વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે. પ્રાંતીય રાજધાની ક્વેટા સહિત કમસે કમ ૧૨ મુખ્ય શહેરોમાં ગોળીબાર, બ્લાસ્ટ અને કબજાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં લગભગ ૨૦ પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે, જ્યારે હાલત કાબૂ કરવા માટે સેનાએ હેલિકોપ્ટર પણ તૈનાત કરી દીધા છે.
બલોચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાને પોતાના ઓપરેશન હીરોફના બીજા તબક્કાનો ભાગ ગણાવ્યો છે. સ્થાનિક સ્રોતોના જણાવ્યા અનુસાર, બલોચ લડાયકો ક્વેટા, ગ્વાદર, મસ્તુંગ, નુશ્કી, કલાત, ડલબંદિન, પસરની અને અન્ય વિસ્તારમાં એક સાથે એક્ટિવ થઈ ગયા છે. ક્વેટા શહેર ખૂબ જ સંવેદનશીલ ગણાવી રહ્યા છે અને તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે.
ક્વેટાના સરયાબ રોડ પર પોલીસ વાન પર હુમલામાં બે પોલીસકર્મીના મોત થઈ ગયા છે. આ ઉપરાંત ખાલિક શહીદ પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો છે. મસ્તુંગ જેલ પર હુમલા બાદ ૩૦થી વધારે કેદીઓ ફરાર થવાના સમાચાર છે. મસ્તુંગ પોલીસ સ્ટેશન અને શહેરના કેટલાય ભાગ પર કબજાે કર્યો હોવાની સૂચના મળી રહી છે.
નુશ્કીમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના કાર્યાલય પર કબજાે કરી લીધો છે. જ્યાં આઠ સુરક્ષાકર્મી માર્યા ગયા હોવાના સમાચાર છે. વળી ગ્વાદરમાં પણ હુમલો નોંધાયો છે. જ્યારે પસરનીમાં સતત ફાયરિંગ અને બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યા છે. ડલબંદિનમાં એક પછી એક અનેક વિસ્ફોટ અને ભારે ગોળીબાર થઈ રહ્યા છે. કલાતમાં સુરક્ષા દળો અને લડાકો વચ્ચે ભીષણ અથડામણ થઈ રહી છે. ક્વેટાના ઇસ્ટર્ન બાયપાસ પર પણ મોટી સંખ્યામાં સશસ્ત્ર બલોચ લડાયકોના નિયંત્રણની ખબર છે.
આ હુમલાની વચ્ચે ગુમ થવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ગ્વાદર અને ખરાન જિલ્લામાં ચાર લોકો ગુમ થવાની ખબર આવી છે. તુરબતમાં એક ગુમ યુવકના પરિવારે ગુમ થવાની ફરિયાદ લઈને હાઈવે જામ કરી દીધો હતો. ધ બલૂચિસ્તાન પોસ્ટના રિપોર્ટ અનુસાર, જિવાનીના રોબર વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા રાતના સમયે દરોડાનો આરોપ લગાવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જાન્યુઆરીની શરૂઆતથી લઈ સતત દરોડા પડી રહ્યા છે. ઘરોમાં ઘુસીને મારપીટ થઈ રહી છે અને કિંમતી સામાન જપ્ત કરી રહ્યા છે. જેનાથી કેટલાય પરિવાર આ વિસ્તારને છોડવા માટે મજબૂર બન્યા છે.




