
કર્ણાટક જમીન કૌભાંડ કેસમાં EDએ શનિવારે સતત બીજા દિવસે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) ઓફિસ પર દરોડા ચાલુ રાખ્યા હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની બીએમ પાર્વતીને 14 પ્લોટની ફાળવણીમાં ગેરરીતિના આરોપો પર ED આ કાર્યવાહી કરી રહી છે.
સત્તાવાળાઓએ બહારના લોકોને MUDA ઓફિસના પરિસરમાં પ્રવેશતા અટકાવી દીધા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન માલિકી, નોટિફિકેશન પાછું ખેંચી લેવા અને જમીન પરિવર્તન સંબંધિત મહત્ત્વના દસ્તાવેજો ગાયબ છે.
ભાજપે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિશે આ વાત કહી
કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કર્ણાટકના શહેરી વિકાસ મંત્રી બિર્થી સુરેશ પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બચાવવા માટે MUDA કેસ સાથે સંબંધિત તમામ ફાઈલો સળગાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ ભાજપે મુડા કેસમાં સામેલ તમામ લોકોના પાસપોર્ટ જપ્ત કરવાની માંગ કરી છે.
નોંધનીય છે કે EDના અધિકારીઓ સીઆરપીએફના જવાનો સાથે શુક્રવાર સવારથી બેંગલુરુના કેંગેરીમાં MUDA ઓફિસ, તેની તહસીલ ઓફિસ અને કેસના આરોપી દેવરાજુના પરિસરમાં દરોડા પાડી રહ્યા છે.
14 પ્લોટની ફાળવણીમાં ગેરરીતિનો આક્ષેપ
સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સીએ જમીન સંપાદન અને ફાળવણી નીતિઓને લગતા ત્રણ ડઝનથી વધુ પ્રશ્નોના જવાબો માંગવા માટે MUDAને ઘણા પત્રો મોકલ્યા પછી શોધ શરૂ કરવામાં આવી હતી, કારણ કે તેને કોઈ સંતોષકારક જવાબો મળ્યા ન હતા.
આ મામલામાં લોકાયુક્તની એફઆઈઆરની નોંધ લેતા ઈડીએ 30 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી અને અન્ય લોકો સામે રિપોર્ટ દાખલ કર્યો હતો, જે પોલીસ એફઆઈઆર સમાન છે. મુખ્ય પ્રધાન પર તેમની પત્ની બીએમ પાર્વતીને મૈસુરમાં મુખ્ય સ્થાન પર MUDA દ્વારા 14 પ્લોટની ફાળવણીમાં અનિયમિતતાનો આરોપ છે.
સીએમ સિદ્ધારમૈયાએ જમીન કૌભાંડને ષડયંત્ર ગણાવ્યું છે
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે જમીન ફાળવણીમાં છેતરપિંડી કરવાના મામલામાં તેમને બિનજરૂરી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ પછાત વર્ગના સમુદાયમાંથી આવ્યા છે અને બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે.
આરોપ છે કે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)એ મુખ્યમંત્રીની પત્ની પાર્વતીને પોશ વિસ્તારમાં કરોડો રૂપિયાનો પ્લોટ આપ્યો છે. જો કે, દસ્તાવેજો જણાવે છે કે પાર્વતીને તેની માલિકીની લગભગ ચાર એકર જમીનના સંપાદનના બદલામાં પાશ વિસ્તારમાં આ પ્લોટ આપવામાં આવ્યો છે. ભાજપ આ વૈકલ્પિક જમીન ફાળવણીને ગેરકાયદે ગણાવી રહ્યું છે.
