
નીતિન ગડકરીએ નવી સિસ્ટમ અંગે લોકસભામાં મોટું નિવેદન આપ્યું.આવતા વર્ષથી ટોલ બૂથ ઉપર ટ્રાફિક જામથી છુટકારો મળી જશે.વર્તમાન ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવશે : ટોલ ટેક્સ ઇલેક્ટ્રોનિક રીતે ચૂકવવામાં આવશે : સૌથી વધુ ફાયદો વાહનચાલકોને થશે.આવતા વર્ષથી તમારે હવે ટોલ બૂથ પર ટ્રાફિક જામથી છુટકારો મળી જશે. કેન્દ્ર સરકાર આ માટે એક ખાસ સિસ્ટમ પર કામ કરી રહી છે. એકવાર આ સિસ્ટમ લાગુ થઈ ગયા પછી, કોઈપણ વાહનને ટોલ બૂથ પર ચૂકવણી કરવા માટે લાઇનમાં રાહ જાેવી પડશે નહીં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ નવી સિસ્ટમ અંગે લોકસભામાં એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આગામી વર્ષ દરમિયાન વર્તમાન ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવશે. હવેથી, ટોલ ટેક્સ ઇલેક્ટ્રોનિક રીતે ચૂકવવામાં આવશે. આનો સૌથી વધુ ફાયદો વાહનચાલકોને થશે.
શિયાળુ સત્ર દરમિયાન આજે ગુરુવારે લોકસભામાં બોલતા, નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, નવી સિસ્ટમ ૧૦ સ્થળોએ શરૂ કરવામાં આવી છે અને આગામી વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, તેના અમલીકરણથી હાલની ટોલ સિસ્ટમ ખતમ થઈ જશે. ટોલના નામે તમને કોઈ રોકશે નહીં. ગડકરીએ એમ પણ કહ્યું કે, એક વર્ષની અંદર દેશભરમાં ઇલેક્ટ્રોનિક ટોલ વસૂલાત લાગુ કરવામાં આવશે. દેશભરમાં હાલમાં રૂ.૧૦ લાખ કરોડના ૪,૫૦૦ હાઇવે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.
તાજેતરના સત્તાવાર નિવેદન મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) પ્રોગ્રામ વિકસાવ્યો છે, જે ઇલેક્ટ્રોનિક ટોલ ચુકવણી માટે એકીકૃત ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ છે, જે ભારતના હાઇવે પર ટોલ વસૂલાતને સુવ્યવસ્થિત કરવા માટે છે. લોકસભામાં બોલતા, નીતિન ગડકરીએ દિલ્હીમાં પ્રદૂષણ પર પણ ટિપ્પણી કરી હતી.
તેમણે ગુરુવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રાથમિકતા આપી રહી છે અને ટોયોટાની “મીરાઈ” હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ કારનો ઉપયોગ શરૂ કરી દીધો છે. પૂરક પ્રશ્નોના જવાબ આપતા, ગડકરીએ કહ્યું કે, હાઇડ્રોજન ભવિષ્યનું ઇંધણ છે. મારી પાસે પણ હાઇડ્રોજનથી ચાલતી કાર છે, અને આ કાર ટોયોટાની છે. તે મર્સિડીઝ જેટલી જ સુવિધા આપે છે. આ કારનું નામ ‘મીરાઈ‘ છે, જેનો જાપાની શબ્દ અર્થ ‘ભવિષ્ય‘ થાય છે.
આ વર્ષે ઓક્ટોબરમાં, કેન્દ્ર સરકારે FASTag વગરના વાહનચાલકોને નોંધપાત્ર રાહત આપી હતી. આ રાહતમાં એવી જાેગવાઈ હતી કે, જાે કોઈ વાહનમાં FASTag ન હોય અથવા તે કામ ન કરતું હોય, તો ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો ટોલ ટેક્સ ચૂકવવાને બદલે, જાે વાહન UPIનો ઉપયોગ કરીને ચૂકવણી કરે તો ફક્ત ૧.૨૫ ગણો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ અંગે એક સૂચના જાહેર કરી હતી. ૧૫ નવેમ્બરથી દેશભરના ટોલ પ્લાઝા પર આ નવી સિસ્ટમ અમલમાં આવી છે.
જૂના નિયમ મુજબ, જાે કોઈ વાહનમાં FASTag ન હોય અથવા તે માન્ય ન હોય, તો સામાન્ય ટોલ ફીના બમણા (૨X) રોકડમાં ચૂકવવા પડતા હતા, જે એક મોટો દંડ માનવામાં આવતો હતો. પરંતુ હવે ફાસ્ટેગ વગરના અથવા બંધ ફાસ્ટેગવાળા વાહનો UPI દ્વારા ટોલ ફીના ૧.૨૫ ગણા ચૂકવી શકશે. આનો અર્થ એ થયો કે,UPI દ્વારા ચુકવણી પર હવે બમણો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં.




