National News:ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હેમંત સોરેન સરકારમાં પ્રધાન, ચંપાઈ સોરેને બુધવારે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ભાજપમાં જોડાવાની જાહેરાત કરનાર ચંપાઈ સોરેને જેએમએમ પ્રમુખ શિબુ સોરેનને લખેલા પત્રમાં કહ્યું છે કે ઝારખંડ મુક્તિ મોરચાની વર્તમાન કાર્યશૈલી અને નીતિઓથી નારાજ થઈને તેમને પાર્ટી છોડવાની ફરજ પડી છે.
હંમેશની જેમ તેમણે પત્રમાં શિબુ સોરેનને ‘ગુરુજી’ કહીને સંબોધ્યા છે. તેમણે લખ્યું છે કે, “બહુ દુખ સાથે કહેવું પડે છે કે તમારા માર્ગદર્શન હેઠળ, અમારા જેવા કાર્યકરોએ જે પાર્ટીનું સપનું જોયું હતું અને જેના માટે અમે જંગલો, પહાડો અને ગામડાઓમાં પરિશ્રમ કર્યો હતો, તે પાર્ટી આજે રહી નથી. તેનું મૂળ સ્વરૂપ દિશા ગુમાવ્યું છે. મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે મારે તેને છોડવું પડશે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓને કારણે મારે ભારે પીડા સાથે આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે.
તેમણે શિબુ સોરેનને લખેલા પત્રમાં વધુમાં કહ્યું છે કે તમારી હાલની તબિયતના કારણે તમે સક્રિય રાજકારણથી દૂર છો અને તમારા સિવાય પાર્ટીમાં એવું કોઈ મંચ નથી કે જ્યાં અમે અમારી પીડા વ્યક્ત કરી શકીએ. આ કારણે, હું ઝારખંડ મુક્તિ મોરચાના પ્રાથમિક સભ્યપદ અને તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. શિબુ સોરેનનો આભાર વ્યક્ત કરતાં તેમણે લખ્યું છે કે, ઝારખંડ આંદોલન દરમિયાન અને પછી તમારા માર્ગદર્શન હેઠળ મને જીવનમાં ઘણું શીખવાની તક મળી છે. તમે હંમેશા મારા માર્ગદર્શક બની રહેશો.
તમને જણાવી દઈએ કે હેમંત સોરેન 31 જાન્યુઆરીએ જેલમાં ગયા પછી ચંપાઈ સોરેનને સીએમ બનાવવામાં આવ્યા હતા. પછી, લગભગ પાંચ મહિના પછી, હેમંત સોરેન જામીન મેળવીને જેલમાંથી બહાર આવ્યા, તેના છઠ્ઠા દિવસે, 4 જુલાઈએ, ચંપા સોરેનનું સીએમ પદ પરથી રાજીનામું લેવામાં આવ્યું અને હેમંત સોરેને ફરીથી સીએમ તરીકે શપથ લીધા. જો કે ચંપાઈ સોરેન હેમંત સોરેનની સરકારમાં મંત્રી તરીકે જોડાયા હતા, પરંતુ તેઓ નારાજ હતા. તેણે 18 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સીએમ પદ પરથી તેમનું રાજીનામું અપમાનજનક રીતે લેવામાં આવ્યું હતું. ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે.