
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે એક વિડિયો મારફતે દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી-યુવા આંદોલન અંગે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા વિદ્યાર્થી-યુવા આંદોલનમાં જોડાયેલા યુવાનો પર ભાજપ સરકાર દ્વારા બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા લાઠીચાર્જ અને દમનના વિરોધમાં તેમજ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કાલે કોકરોચ જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં “નેશન વાઇડ પ્રોટેસ્ટ”નું આહ્વાન કર્યું છે.
વધુમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, કોકરોચ જનતા પાર્ટીએ નેશન વાઇડ પ્રોટેસ્ટનું આહ્વાન કર્યું છે, તેથી આમ આદમી પાર્ટી આ પ્રોટેસ્ટને સમર્થન આપીને તેમાં જોડાશે. આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નેતાઓને અપીલ છે કે તેઓ આમ આદમી પાર્ટીના કોઈપણ બેનર કે ઝંડા વગર દેશને બચાવવા અને યુવાનોના ભવિષ્યને બચાવવા માટે કોકરોચ જનતા પાર્ટીના પ્રોટેસ્ટને સમર્થન આપે. વિદ્યાર્થી-યુવાનોના નેતૃત્વમાં ચાલી રહેલા આ આંદોલનમાં જોડાઓ અને જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ લડતમાં સહયોગ આપો.




