
વેચાણ શરૂ થતાં ગણતરીના કલાકોમાં આઉટ ઓફ સ્ટોક હવે ૧ ડોલરના સિક્કા પર ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો યુએસ મિન્ટ દ્વારા બુધવારે જાહેર કરાયેલો આ સિક્કો અમેરિકાની આઝાદીની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણીનો ભાગ છે અમેરિકાની સરકારી સંસ્થાઓ પર પોતાની આગવી છાપ છોડવાના પ્રયાસરૂપે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર ધરાવતો ૧ ડૉલરનો ખાસ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.
યુએસ મિન્ટ દ્વારા બુધવારે જાહેર કરાયેલા આ સિક્કા પર ટ્રમ્પની તસવીર સાથે લિબર્ટી અને ઇન ગોડ વી ટ્રસ્ટ જેવા શબ્દો કંડારવામાં આવ્યા છે. આ વિશેષ સિક્કો અમેરિકાની આઝાદીની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે તૈયાર કરવામાં આવ્યો છે. જાેકે, આ સિક્કા સામાન્ય લેવડદેવડ કે રોજિંદા વ્યવહાર માટે ઉપયોગમાં લેવાશે નહીં, પરંતુ તેને માત્ર યાદગીરી અને કલેક્શન માટે વેચવામાં આવી રહ્યા છે.
સામાન્ય રીતે અમેરિકી કાયદા મુજબ જીવતા રાષ્ટ્ર પ્રમુખની તસવીર દેશના ચલણ કે સિક્કા પર મૂકવાની મનાઈ હોય છે. પરંતુ આઝાદીની વર્ષગાંઠ માટે ઘડાયેલા એક વિશેષ કાયદાની જાેગવાઈનો ઉપયોગ કરીને આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે. સિક્કાના વેચાણ માટે ૨૫ સિક્કાના રોલની કિંમત ૬૧ ડૉલર અને ૧૦૦ સિક્કાની થેલીની કિંમત ૧૫૪.૫૦ ડૉલર નક્કી કરવામાં આવી છે.
વેચાણ શરૂ થતાં જ થોડી જ કલાકોમાં યુએસ મિન્ટની વેબસાઇટ પર આ સિક્કાઓ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા હતા. જાેકે, મિન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વધુ સિક્કાઓ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે.
આ સિક્કા દેખાવમાં સોનેરી રંગના છે, પરંતુ તેમાં કોઈ અસલી સોનું નથી. યુએસ મિન્ટના જણાવ્યા અનુસાર આ સિક્કામાં ૮૮.૫ ટકા તાંબુ છે, જ્યારે બાકીનો ભાગ ઝિંક, નિકલ અને બ્રાસના મિશ્રણથી બનેલો છે. જાેકે આ સિક્કા રોજિંદા ચલણમાં ફેરવવામાં આવશે નહીં, છતાં કાયદાકીય રીતે તેને માન્ય ચલણ ગણવામાં આવશે, જેનાથી દેવું કે વેરો ચૂકવી શકાય છે. પરંતુ સ્થાનિક વેપારીઓ તેને સ્વીકારવા કે નહીં તે નક્કી કરવા સ્વતંત્ર છે.
આ પહેલાં પણ ૧૯૨૬માં અમેરિકાની ૧૫૦મી વર્ષગાંઠ વખતે તત્કાલીન જીવંત રાષ્ટ્રપ્રમુખ કેલ્વિન કૂલિજની તસવીર અડધા ડૉલરના સિક્કા પર છાપવામાં આવી હતી.
આ ઉપરાંત, અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે પણ સંકેત આપ્યા હતા કે તેમનો વિભાગ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની તસવીર ધરાવતી ૨૫૦ ડૉલરની નવી ચલણી નોટ બહાર પાડવાની યોજના બનાવી રહ્યો છે. આ સાથે જ નાણા મંત્રાલયે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ અમેરિકી કાગળની નોટો પર ટ્રમ્પની સહી પણ જાેવા મળશે.




