
ગ્લોસ્ટરશાયરને ડર્બીશાયર સામે વિજય અપાવ્યો ૧૨ ઓવર મેડન અને ૫ વિકેટ! ભારતને મળ્યો બીજાે જાદુઈ સ્પિનર ભારતીય સ્પિનર આર સાઈ કિશોરે કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું, ૨૦ રન આપીને ૫ વિકેટ લીધી ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય બોલરોનો જલવો કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તમિલનાડુના સ્પિનર આર. સાઈ કિશોરે પોતાની સ્પિન બોલિંગથી એવો જાદુ કર્યો કે વિરોધી ટીમ પાણીમાં બેસી ગઈ. સીટ યુનિક સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગ્લોસ્ટરશાયર તરફથી રમતા સાઈ કિશોર સામે ડર્બીશાયરના બેટ્સમેનો લાચાર દેખાયા. તેની બોલિંગના કારણે ગ્લોસ્ટરશાયરે ૨૧૩ રનથી ભવ્ય અને એકતરફી વિજય મેળવ્યો.
જીત માટે ૩૧૯ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ડર્બીશાયર ટીમને અંતિમ દિવસે ધીરજથી રમવાની સખત જરૂર હતી, કારણ કે સ્પિન-ફ્રેન્ડલી પિચ હતી. જાેકે, કેપ્ટને સાઈ કિશોરને બોલ આપ્યો તે ક્ષણે મેચનો માહોલ પલટાઈ ગયો.
ભારતીય સ્પિનરે પોતાની ચોક્કસ લાઇન, લેન્થથી બેટ્સમેનોને ખુલીને રમવા ના દીધા. તેણે એટલું દબાણ બનાવ્યું કે બેટ્સમેન રન બનાવવાને બદલે ફક્ત પોતાની વિકેટ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.
આંકડાઓ સાઈ કિશોરની મેચ પર કેટલી ઊંડી અસર પડી તે દર્શાવે છે. તેણે બીજી ઇનિંગમાં ૧૮ ઓવર ફેંકી હતી, જેમાંથી ૧૨ મેડન હતી. આ સ્પેલ દરમિયાન તેણે ડર્બીશાયરના ટોચના છ બેટ્સમેનમાંથી પાંચને આઉટ કર્યા જ્યારે માત્ર ૨૦ રન આપ્યા. મેચના ચોથા દિવસે સ્પિનરોનું વર્ચસ્વ રહ્યું અને આખી ડર્બીશાયર ટીમ માત્ર ૧૦૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પ્રથમ ઇનિંગમાં લેવાયેલી બે વિકેટ સહિત, સાઈ કિશોરે મેચમાં ૭૯ રનમાં કુલ ૭ વિકેટ લીધી.
રણજી ટ્રોફીમાં તમિલનાડુ માટે સતત વિકેટો લેનારા બોલર માટે ઇંગ્લેન્ડમાં આ પ્રદર્શન કોઈ અસાધારણ નથી. તેણે રેડ-બોલ ક્રિકેટમાં નોંધપાત્ર સાતત્ય દર્શાવ્યું છે, છતાં તે અત્યાર સુધી પસંદગીકારોની નજર ખેંચવામાં નિષ્ફળ રહ્યો છે. કાઉન્ટી ક્રિકેટના ઉચ્ચ દબાણવાળા વાતાવરણ વચ્ચે આ મેચ-વિનિંગ સ્પેલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પડકારો માટે સંપૂર્ણપણે તૈયાર છે




