
વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન હરિવંશ નારાયણસિંહ ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા હરિવંશ નારાયણ સિંહ એક એવું નામ છે, જે પત્રકારિતાથી શરૂ થઈને રાજકીય ક્ષેત્રે મહત્વની જવાબદારી સુધી પહોંચ્યા છે જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. હરિવંશ નારાયણ સિંહ કોઈ વિરોધ વગર ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમને ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાન મોદીએ હરિવંશ નારાયણ સિંહ અભિનંદન પાઠવતા કહ્યું કે, “હરિવંશજીનો જન્મ જયપ્રકાશ નારાયણ (JP)ના ગામમાં થયો છે અને તેમનું જાહેર જીવન તેમના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. સતત ત્રીજી વખત ઉપસભાપતિ તરીકે ચૂંટાવું એ ગૃહનો તેમના પ્રત્યેના અતૂટ વિશ્વાસનો પુરાવો છે.”
હરિવંશ નારાયણ સિંહ એક એવું નામ છે, જે પત્રકારિતાથી શરૂ થઈને રાજકીય ક્ષેત્રે મહત્વની જવાબદારી સુધી પહોંચ્યા છે. ૩૦ જૂન ૧૯૫૬ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં સિતાબ દિયારા ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા હરિવંશ નારાયણ સિંહ આજે ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે જાણીતા છે. આ ગામ લોકનાયક જયપ્રકાશ નારાયણનું પણ વતન છે, જેની અસર હરિવંશના વ્યક્તિત્વ પર સ્પષ્ટ દેખાય છે.
હરિવંશ નારાયણ સિંહે પોતાનું પ્રારંભિક શિક્ષણ ગામની શાળાથી મેળવ્યું. ત્યારબાદ જયપ્રકાશ નારાયણના નામે ચાલતા ઇન્ટર કોલેજમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો. આ પછી વારાણસીમાં યુપી કોલેજમાંથી ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યા પછી તેઓ કાશી હિંદુ વિશ્વવિદ્યાલય (BHU) પહોંચ્યા. અહીંથી તેમણે અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને ૧૯૮૦ના દાયકામાં પોતાના કરિયરની શરૂઆત હિન્દી અખબાર ધર્મયુગથી એક પત્રકાર તરીકે કરી.
૧૯૮૧થી ૧૯૮૪ સુધી તેઓએ બેંક ઓફ ઈન્ડિયામાં સરકારી અધિકારી તરીકે પણ કામ કર્યું, પરંતુ પરિવારની ઇચ્છા વિરુદ્ધ તેમણે આ સરકારી નોકરી છોડીને ફરી પત્રકારિતા તરફ વળ્યા. ૧૯૮૯માં તેઓ રાંચીથી પ્રકાશિત થતા અખબાર પ્રભાત ખબર સાથે જાેડાયા. ત્યારે આ અખબાર લગભગ બંધ થવાની સ્થિતિમાં હતું. હરિવંશ સિંહની મહેનત, નેતૃત્વ ક્ષમને કારણે પ્રભાત ખબર બિહાર-ઝારખંડના એક મુખ્ય અને પ્રતિષ્ઠિત અખબાર તરીકે ઊભરી આવ્યું. તેઓ અખબારના પ્રધાન સંપાદક બન્યા અને અનેક મોટા કૌભાંડ ઉજાગર કર્યા.
વર્ષ ૧૯૯૦માં પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના કાર્યકાળ દરમિયાન હરિવંશ સિંહે તેમના મીડિયા સલાહકાર (પીએમઓમાં) તરીકે કામ કર્યું. જ્યારે ચંદ્રશેખર સરકાર પડી ગઈ ત્યારે તેઓ ફરીથી પત્રકારિતામાં પરત આવ્યા અને પ્રભાત ખબર સાથે જાેડાઈ ગયા.
૨૦૧૪માં જનતા દળ (યુનાઈટેડ) તરફથી બિહારમાંથી તેઓ રાજ્યસભા સદસ્ય તરીકે ચૂંટાયા.
આ પછી તેમણે પ્રભાત ખબરના સંપાદક પદ પરથી રાજીનામું આપી દીધું. ૨૦૧૮માં તેઓ પહેલી વખત અને ૨૦૨૦માં બીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા. હવે તેઓ સતત ત્રીજીવાર રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે.



