
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
ભારતનું બંધારણ વ્યક્તિગત સ્વતંત્રતાને માત્ર કાગળ પરનો અધિકાર માનતું નથી, તે લોકશાહીનો પાયો છે. દરેક નાગરિકને પોતાના જીવન વિશેના નિર્ણય લેવાનો અધિકાર છે. શું ખાવું? શું પહેરવું? કયા વિચારો વ્યક્ત કરવા આ બધા પ્રશ્નો વ્યક્તિગત સ્વતંત્રતાના ક્ષેત્રમાં આવે છે. હા જો કોઈ કૃત્ય જાહેર શાંતિ ભંગ કરે, હિંસા ભડકાવે અથવા કાયદાનો સ્પષ્ટ ભંગ કરે, તો સરકાર કાર્યવાહી કરી શકે. પરંતુ જ્યાં કાયદો મૌન છે, ત્યાં પોલીસને મનસ્વી રીતે પોતાનો કાયદો સર્જવાનો અધિકાર નથી.
આજના સમયમાં એક નવી અને ચિંતાજનક વૃત્તિ જોવા મળે છે. કાયદાની જગ્યાએ સોશિયલ મીડિયા, ભીડ અથવા રાજકીય દબાણના આધારે કાર્યવાહી થવા લાગે છે. કોઈ વિડીયો વાયરલ થાય, કોઈ જૂથ વિરોધ કરે અને તરત જ પોલીસ કાર્યવાહી શરૂ કરી દે. પરંતુ કાયદો વાયરલ પોસ્ટથી નહીં, પુરાવા અને બંધારણથી ચાલે છે. જો રાજય આ મૂળભૂત સિંધ્ધાંત ભૂલી જશે, તો નિર્દોષ નાગરિકોનો વિશ્વાસ ન્યાય વ્યવસ્થામાંથી ડગમગી જશે. ત્યારે વિધ્વાન જસ્ટિસ ભૂયાનનો પ્રશ્ન અત્યંત સીધો હતો. માત્ર ચિકન ખાધું એટલે જેલમાં મોકલી શકાય? ગંગા કિનારે ચિકન ખાવા સામે કયો કાયદો પ્રતિબંધ મૂકે છે? આ સવાલ માત્ર એક કેસ પૂરતો મર્યાદિત નથી. તે સમગ્ર શાસન વ્યવસ્થાને અરીસો બતાવે છે. તો માત્ર કેટલાક લોકોની અતાર્કિક રીતે લાગણીઓ દુભાઈ હોવાના દાવા પર
તેની સ્વતંત્રતા છીનવી લેવી, કાયદાના રાજને નબળું પાડવા સમાન છે.
ભારતની સૌથી મોટી તાકાત એ રહી છે કે અહી વિવિધ મત, વિવિધ ધર્મ અને વિવિધ વિચારો સાથે લોકો રહે છે. આ દેશે ગાંધીજીથી લઈને જયપ્રકાશ નારાયણ સુધી અસહમતીને લોકશાહીની શક્તિ તરીકે સ્વીકારી છે. જો સરકાર કે પોલીસ દરેક વિરોધને શંકાની નજરે જોવા લાગશે તો પછી બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોનું શું મહત્વ રહેશે?
લોકશાહી ત્યારેજ જીવંત રહે છે જ્યારે નાગરિકોને ભય વગર જીવવાની અને શાંતિપૂર્ણ રીતે અસહમતિ વ્યક્ત કરવાની છૂટ હોય. માનનીય ન્યાયાધીશે એ જ સંદેશ આપ્યો છે. ભારત લાગણીઓથી નહીં બંધારણથી ચાલે છે. અને રાજ્યનો સાચો ધર્મ કાયદાનું નિષ્પક્ષ પાલન કરાવવાનો છે. કોઈ એક વિચારધારાને દંડાત્મક રીતે લાદવાનો નહીં.




