
કર્ણાટકની વિખ્યાત વીરાંગના બેલાવાડી મલ્લમ્માનું પાત્ર ભજવશે રિષભ શેટ્ટીની શિવાજી પરની ફિલ્મમાં ભૂમિ પેડનેકરની એન્ટ્રી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ઋષભ શેટ્ટી ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
ર્નિદેશક અને નિર્માતા સંદીપ સિંહની મહત્ત્વાકાંક્ષી ઐતિહાસિક ફિલ્મ ‘ધ પ્રાઇડ ઑફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ની સ્ટારકાસ્ટ વધુ મજબૂત બની રહી છે. હવે ભૂમિ પેડનેકર ફિલ્મ સાથે જોડાઈ છે. તે ફિલ્મમાં કર્ણાટકની વિખ્યાત વીરાંગના બેલાવાડી મલ્લમ્માનું પાત્ર ભજવશે.રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ઋષભ શેટ્ટી ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે અર્જુન રામપાલ, વિવેક ઓબેરોય સહિત અનેક જાણીતા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.ફિલ્મનો ભાગ બનવા અંગે ખુશી વ્યક્ત કરતાં ભૂમિએ કહ્યું, “છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને વારસાને આટલા ભવ્ય સ્તરે રજૂ કરતી પ્રથમ ભારતીય ફિલ્મનો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે. કર્ણાટકની બહાદુર યોદ્ધા રાણી બેલાવાડી મલ્લમ્માનું પાત્ર ભજવવાની તક મારા માટે સન્માન સમાન છે.”તેણે વધુમાં જણાવ્યું કે તે ‘કાંતારા’ની મોટી પ્રશંસક છે અને રિષભ શેટ્ટીના અભિનયથી ખૂબ પ્રભાવિત થઈ હતી. ભૂમિએ ઉમેર્યું, “સંદીપ સિંહે જ્યારે મને ફિલ્મની વાર્તા સંભળાવી ત્યારે મારી અંદરના અભિનેતાએ તરત જ ‘હા’ કહી દીધી. આ મારા અત્યાર સુધીના કામથી સંપૂર્ણપણે અલગ અનુભવ હશે અને નિર્માતાઓએ મારા પર વિશ્વાસ મૂક્યો તે બદલ હું તેમની આભારી છું.” ‘ધ પ્રાઇડ ઑફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ને બે ભાગમાં રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મની પટકથા ઋષિ વિરમાણીએ લખી છે, જ્યારે સંગીત અમિત ત્રિવેદી આપશે. ફિલ્મનાં ગીતો રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગીતકાર પ્રસૂન જોશી લખશે. નિર્માતાઓ હાલમાં ભવ્ય પ્રી-પ્રોડક્શન તબક્કા પર કામ કરી રહ્યા છે અને ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવનની અનેક ઐતિહાસિક ઘટનાઓને વિશાળ કેનવાસ પર રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.




