
વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી ગુજરાતીઓની લાગણી દુભાવવાનો ઉદ્દેશ્ય નહોતો તેમના ભાષણની ટિપ્પણીઓ ખોટી રીતે રજૂ થઈ છે અને ગુજરાતીઓ પ્રત્યે હંમેશા આદર રાખ્યો છે : ખડગે
ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન ગુજરાતના લોકોને અશિક્ષિત કહેતા મોટો વિવાદ ઊભો થયો હતો. આ મામલે ગુજરાતના લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો અને ભાજપે પણ વિવિધ શહેરોમાં ભારે વિરોધ નોંધાવતા રાજકારણ ગરમાયું હતું, ત્યારે ભારે વિરોધ બાદ આ મામલે મલ્લિકાર્જુન ખડગેએ હાલ માફી માંગી છે અને ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ ક્યારેય નહોતો હોવાનું જણાવ્યું છે.
કેરળમાં ચૂંટણી રેલી મલ્લિકાર્જુન ખડગેએ ભાષણમાં ગુજરાતના લોકોને અશિક્ષિત ગણાવતા કહ્યું કે, ત્યાંના લોકોને નરેન્દ્ર મોદી સરળતાથી ભ્રમિત કરી શકે છે, પરંતુ કેરળના લોકો વધુ સમજુ અને શિક્ષિત છે, એટલે કોઈ તેને ભ્રમિત કરી શકશે નહીં. ખડગેના આ નિવેદન પછી ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને વિપક્ષી દળોએ આ નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવી પ્રતિક્રિયા આપી હતી. આ મામલે ગઈકાલે ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપે મૌન વિરોધ પ્રદર્શન પણ યોજ્યું હતું, જે બાદ ખડગેએ હાલ માફી માંગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતીઓને અભણ કહેવા મુદ્દે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી છે. આ મામલે તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર સ્પષ્ટતા કરતા લખ્યું છે કે, તાજેતરમાં કેરળમાં મારા ચૂંટણી ભાષણ દરમિયાન કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને જાણી જાેઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું જવાબદારીની ભાવના સાથે મારો અફસોસ વ્યક્ત કરું છું. મેં હંમેશા ગુજરાતના લોકો માટે ખૂબ જ આદર રાખ્યો છે – અને હંમેશા રાખીશ. ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ ક્યારેય નહોતો.




