
૩ અઠવાડિયામાં જવાબ આપવા આદેશ.અમદાવાદ પ્લેન ક્રેશ કેસ : સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો.વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમમાં અનેક અરજીઓ દાખલ.અમદાવાદ વિમાન દુર્ઘટના માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વભરની અત્યાર સુધીની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાઓ પૈકીની એક છે. ગયા વર્ષે ૧૨ જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઈનર ૭૮૭-૮ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જાેકે, ટેકઓફની થોડી જ ક્ષણોમાં વિમાન અકસ્માતનો ભોગ બન્યું અને એરપોર્ટ પાસે આવેલી એક મેડિકલ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાને કારણે વિમાનમાં આગ લાગી અને તમામ મુસાફરો ઉપરાંત હોસ્ટેલમાં રહેલા કેટલાક મેડિકલ સ્ટુડન્ટ્સના પણ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત મેડિકલ હોસ્ટેલને પણ ભારે નુકસાન થયું હતું. આ દર્દનાક અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉપરાંત જે મેડિકલ હોસ્ટેલ સાથે વિમાન અથડાયું હતું, તેના ૧૯ લોકોનાં પણ મોત થયાં હતાં. ત્યારથી આ મામલે તપાસ ચાલી રહી છે, જેમાં હવે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટે આજે, બુધવાર, ૧૧ ફેબ્રુઆરીએ તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ સ્ટેટસ રિપોર્ટ રેકોર્ડ પર લેવા માટે મંગાવવામાં આવ્યો છે અને આ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૩ અઠવાડિયાનો સમય આપ્યો છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. સીજેઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ જાેયમાલ્યા બાગચીની બેન્ચ દિવંગત કેપ્ટન સુમિત સભરવાલના પિતા દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. જે દરમિયાન આ સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની તપાસ તેના અંતિમ તબક્કામાં છે.
કેન્દ્રના બીજા સૌથી મોટા કાયદા અધિકારીએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે, તપાસનો સ્ટેટસ રિપોર્ટ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તપાસના ભાગરૂપે વિમાનના કેટલાક ભાગોને વિશેષ પરીક્ષણ માટે વિદેશમાં મોકલવામાં આવ્યા છે.




