
કેન્દ્રીય મંત્રીઓને આપી ૨ ખાસ સૂચનાઓ વડાપ્રધાન મોદીની નજર હવે સરકારી વેબસાઇટ્સ પર બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ મંત્રીઓને સરકારી વેબસાઇટ્સને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવાની સૂચના આપી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન PM મોદીએ મંત્રીઓને સરકારી વેબસાઇટ્સને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવાની સૂચના આપી હતી, જેથી સામાન્ય લોકો કલ્યાણકારી યોજનાઓ અને સરકારી સેવાઓ અંગેની માહિતી સરળતાથી મેળવી શકે.
આ ઉપરાંત વડાપ્રધાને મંત્રીઓને સરકાર વિરુદ્ધ કરવામાં આવતી અયોગ્ય અને પાયાવિહોણી ટીકાઓનો પણ સ્પષ્ટ અને સક્રિય રીતે જવાબ આપવાની સલાહ આપી હતી.
સરકારી પોર્ટલ્સને વધુ સરળ અને સુવિધાજનક બનાવવા માટે કેબિનેટ મંત્રીઓને PM મોદીએ આ નિર્દેશ એવા સમયે આપ્યો છે, જ્યારે થોડા મહિના પહેલાં કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને તમામ મંત્રાલયો અને વિભાગોને તેમની વેબસાઇટ્સની સમીક્ષા કરીને તેને વધુ સરળ બનાવવાનું સૂચન કર્યું હતું.
કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને અગાઉ યોજાયેલી કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સની બેઠકમાં ધ ઇકોનોમિસ્ટના એક રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં સામાન્ય નાગરિકો માટે સરકારી વેબસાઇટ્સનો ઉપયોગ કરવો હજુ પણ મુશ્કેલ છે.
તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે સરકારી પોર્ટલ્સ પર પૉપ-અપ, ચમકતા બેનર અને સતત સ્ક્રોલ થતી ટેક્સ્ટ જેવી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે લોકોને જરૂરી માહિતી શોધવામાં મુશ્કેલી પડે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મોટાભાગના ભારતીય નાગરિકો ઈન્ટરનેટનો મોબાઈલ ફોન પર ઉપયોગ કરે છે, છતાં કેટલીક વેબસાઈટ્સ મોબાઈલ પર યોગ્ય રીતે કામ કરતી નથી.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયને નાગરિકો માટે તૈયાર કરવામાં આવી રહેલા યુનિફાઇડ સર્વિસ ડિલિવરી પ્લેટફોર્મ એટલે કે ‘એક ભારત’ પોર્ટલના કામમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા હતા. આ પોર્ટલ શરૂ થયા બાદ લોકો માત્ર એક યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા તમામ સરકારી વેબસાઇટ્સ અને સેવાઓનો ઉપયોગ કરી શકશે.




