
ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વોડની બેઠક દરિયાઈ સુરક્ષા-ક્રિટિકલ મિનરલ્સ પર ચર્ચા, જાપાનનો ચીન પર પ્રહાર વૈશ્વિક વેપારનો લગભગ ૬૦ ટકા હિસ્સો ઇન્ડો-પેસિફિક (હિંદ-પ્રશાંત) ક્ષેત્રમાંથી પસાર થાય છે વૈશ્વિક અનિશ્ચિતતા અને મિડિલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના સંગઠન ક્વાડના વિદેશ મંત્રીઓની નવી દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ચારેય લોકતાંત્રિક દેશોએ મુક્ત અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે એક થઈને કામ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. ઇરાન સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય અને દરિયાઈ વેપાર ખોરવવાની આશંકાઓ વચ્ચે ક્વાડ દેશોએ મેરિટાઇમ સર્વેલન્સ (સમુદ્રી નજર રાખવી), પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રિટિકલ મિનરલ્સ (મહત્વના ખનિજાે)ને લઈને શ્રેણીબદ્ધ નવી પહેલોની જાહેરાત કરી છે.
વૈશ્વિક વેપારનો લગભગ ૬૦ ટકા હિસ્સો ઇન્ડો-પેસિફિક (હિંદ-પ્રશાંત) ક્ષેત્રમાંથી પસાર થાય છે. તેને સુરક્ષિત રાખવા માટે બેઠકમાં મહત્વના ર્નિણયો લેવાયા હતા. જેમાં મેરિટાઇમ સર્વેલન્સ ઇનિશિયેટિવ અંતર્ગત અમેરિકાના વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયોએ નવી પહેલની જાહેરાત કરી છે, જે અંતર્ગત ચારેય દેશો પોતાની નજર રાખવાની ક્ષમતાઓને એકબીજા સાથે જાેડશે અને રીઅલ-ટાઇમ ડેટા શેર કરશે. ફિજીમાં પ્રથમ સંયુક્ત પોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રશાંત મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને કાઉન્ટર કરવા માટે ક્વાડ દેશો સંયુક્ત રીતે ફિજી દેશમાં પોર્ટ (બંદર) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરશે. ક્વાડનો આ પ્રકારનો આ પ્રથમ સંયુક્ત પ્રોજેક્ટ છે.
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોન્ગે જણાવ્યું હતું કે, ઇરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ રૂટને બંધ કરવાની ધમકીઓ વચ્ચે ક્વાડ દ્વારા ઇન્ડો-પેસિફિક એનર્જી સિક્યોરિટી ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ ટેકનોલોજી, પોલિસી કોઓર્ડિનેશન અને ઇમરજન્સી રિસ્પોન્સ પર કામ કરશે. દરિયાઈ રૂટ પર કોઈ પણ પ્રકારની જાેહુકમી કે ટેક્સ વસૂલવાની પ્રવૃત્તિનો ક્વાડ દેશો સખત વિરોધ કરશે.
મોટાભાગની આધુનિક ટેકનોલોજી અને ઈલેક્ટ્રિક વાહનો માટે જરૂરી એવા રેર અર્થ મિનરલ્સ પર ચીનનું એકહથ્થુ શાસન તોડવા માટે ક્વાડ ક્રિટિકલ મિનરલ્સ ફ્રેમવર્ક મંજૂર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખાણકામ, પ્રોસેસિંગ અને રિસાયક્લિંગમાં સંયુક્ત રોકાણ કરવામાં આવશે. આ સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે એક અલગ દ્વિપક્ષીય કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કડક સંદેશો આપતા જણાવ્યું કે, જે દેશો આતંકવાદી હુમલાનો સામનો કરી રહ્યા છે, તેમને આત્મરક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ક્વાડ સંગઠન આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. અમારો ઉદ્દેશ્ય ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને વૈશ્વિક વિકાસ અને સ્થિરતાનું એન્જિન બનાવવાનો છે અને તેના માટે વ્યૂહાત્મક વિશ્વાસ અને સમુદ્રી સુરક્ષા વધારવી અનિવાર્ય છે.
બીજી તરફ, જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ કોઈનું નામ લીધા વિના ચીનની વિસ્તારવાદી નીતિ તરફ ઈશારો કરતા કહ્યું કે, બળજબરીથી યથાવત સ્થિતિ બદલવાના કોઈપણ પ્રયાસનો ક્વાડ સખત વિરોધ કરે છે. તેમણે ઉત્તર કોરિયાના સંપૂર્ણ પરમાણુ નિ:શસ્ત્રીકરણની કટિબદ્ધતા પણ દોહરાવી હતી.



