
જાડેજાને મળી મોટી જવાબદારી.વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત.આ સિરીઝ માટે રવિન્દ્ર જાડેજાને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને દેવદત્ત પડિકલની વાપસી થઈ છે.વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝ માટે રવિન્દ્ર જાડેજાને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દેવદત્ત પડિકલની વાપસી થઈ છે. તો ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમનાર કરુણ નાયરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ ૨ ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ ૧૦ ઓક્ટોબરે રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.
કરુણ નાયરને સિરીઝમાં સામેલ કરવામાં આવશે નહીં તેવી અટકળો પહેલાથી જ હતી. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહોતું અને બરાબર એવું જ થયું. અક્ષર પટેલ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો, વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં વાપસી કરી છે. બે ટેસ્ટ મેચની વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ માટે ભારતની ટેસ્ટ ટીમમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નહોતી. માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટમાં પગમાં ફ્રેક્ચર થતાં વિકેટકીપર રિષભ પંત વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાંથી બહાર છે. ધ્રુવ જુરેલ તેની જગ્યાએ પ્રથમ પસંદગીના રિપ્લેસમેન્ટ તરીકે રમશે, જ્યારે તમિલનાડુના એન. જગદીશા બેકઅપ વિકેટકીપર હશે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. કુલદીપ યાદવ સ્પિન આક્રમણનું નેતૃત્વ કરશે. રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ સ્પિન ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે.
ભારતની ૧૫ સભ્યોની ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડીક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી, એન જગદેસન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ.
