
સતત બીજા દિવસે અઢી કલાક સુધી લાંબી ચર્ચા ચાલી.જે ડરે તેમને કરડે છે શ્વાન: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ શેલ્ટર બનાવવાની જરૂર.વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું કે રાજ્યો દ્વારા અપાયેલ આંકડાઓમાં ક્યાંય સ્પષ્ટતા નથી કે નગરપાલિકાઓ કેટલા શેલ્ટર હોમ ચલાવે છ.સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન સાથે જાેડાયેલા કેસમાં ગુરુવારે સતત બીજા દિવસે અઢી કલાક સુધી લાંબી ચર્ચા ચાલી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ અને વકીલો વચ્ચે શ્વાનના સ્વભાવ અને તેનાથી થતી સમસ્યાઓ અંગે રસપ્રદ દલીલો જાેવા મળી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાથે અવલોકન કર્યું કે, શ્વાન માણસનો ડર પારખી જાય છે અને એટલે જ કરડે છે. જ્યારે શ્વાનના પક્ષમાં દલીલ કરી રહેલા વકીલે આ વાતનો ઈનકાર કર્યો, ત્યારે જસ્ટિસે વળતો જવાબ આપ્યો કે, તમારું માથું ન ધુણાવો, આ વાત હું મારા અંગત અનુભવ પરથી કહી રહ્યો છું.
વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું કે રાજ્યો દ્વારા આપવામાં આવેલા આંકડાઓમાં ક્યાંય સ્પષ્ટતા નથી કે નગરપાલિકાઓ કેટલા શેલ્ટર હોમ ચલાવે છે. તેમણે જણાવ્યું કે દેશમાં માત્ર ૫ સરકારી શેલ્ટર છે, જેની ક્ષમતા માત્ર ૧૦૦ શ્વાનની છે. શ્વાનની સમસ્યા ઉકેલવા માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે.
એનિમલ વેલ્ફેર તરફથી દલીલ કરતા વકીલ સી.યુ. સિંહે શ્વાનને શેલ્ટર હોમમાં મોકલવાનો વિરોધ કરતા કહ્યું કે, જાે શ્વાનને હટાવવામાં આવશે તો ઉંદરોની વસ્તી વધી જશે. આ સાંભળીને કોર્ટે રમૂજી અંદાજમાં પૂછ્યું, તો શું આપણે ઉંદરો રોકવા બિલાડીઓ લઈ આવીએ? જસ્ટિસ મહેતાએ ઉમેર્યું કે શ્વાન અને બિલાડીઓ દુશ્મન હોય છે, તો શું આપણે બિલાડીઓને પ્રોત્સાહન આપવું જાેઈએ?
અરજદારના વકીલે કહ્યું કે પાળતુ શ્વાનનો માલિક હોય છે, પણ રખડતા શ્વાનની કોઈ જવાબદારી લેતું નથી. ABC(Animal Birth Control) નિયમો એવા હોવા જાેઈએ કે સામાન્ય નાગરિક રસ્તા પર સુરક્ષિત ચાલી શકે.
કોર્ટને વિનંતી કરવામાં આવી કે માત્ર હોસ્પિટલ કે સ્કૂલ જ નહીં, પણ રહેણાંક વિસ્તારોમાંથી પણ શ્વાનને હટાવવા જાેઈએ. શ્વાનનું કાઉન્સેલિંગ શક્ય નથી, પણ તેના માલિક કે ખવડાવનારને સમજાવી શકાય છે.
દિલ્હીમાં છેલ્લે ૨૦૦૯માં ગણતરી થઈ ત્યારે ૫.૬૦ લાખ શ્વાન હતા. જ્યાં સુધી ચોક્કસ આંકડો અને શેલ્ટર હોમની ક્ષમતા ખબર ન હોય, ત્યાં સુધી તેમને ક્યાં રાખવા તે મોટો પ્રશ્ન છે.
ડોગ લવર્સ અને NGO માટે પિટિશન ફાઈલ કરવા માટે નક્કી કરેલી રકમ જમા કરાવવાની શરત હટાવવાની માંગ પર કોર્ટે મજાકમાં કહ્યું, જાે આ શરત ન હોત, તો અમારે અહીં પંડાલ લગાવવો પડત.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમે દરેક શ્વાનને રસ્તા પરથી હટાવવાનો આદેશ નથી આપ્યો, પરંતુ તેમની સાથે નિયમો મુજબ વ્યવહાર થવો જાેઈએ.
નોંધનીય છે કે ગત નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે શાળાઓ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએથી રખડતા શ્વાનને હટાવી શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.




