Assam: આસામ સરકારના બાળ લગ્ન વિરોધી અભિયાનને કારણે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કિશોરવયની ગર્ભાવસ્થામાં 64 ટકાનો ઘટાડો થયો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શુક્રવારે આ દાવો કર્યો હતો.
મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ એક રાષ્ટ્રીય એનજીઓએ રાજ્યમાં કિશોરવયની ગર્ભાવસ્થાની ઘટનાઓનું મૂલ્યાંકન કર્યું હતું. સંસ્થાએ આસામના 3,000 ગામડાઓમાં બાળ લગ્ન સામે કડક કાયદાની ઉપયોગિતા પર સર્વે કર્યો હતો. જેમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
તેમણે X પર કહ્યું, બાળ લગ્ન સામે અમારું મિશન માત્ર સામાજિક પરિવર્તન જ નહીં પરંતુ અમારી દીકરીઓ માટે સ્વસ્થ જીવન સક્ષમ કરવાનું પણ છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે એપ્રિલ 2022માં આસામમાં કિશોરવયના ગર્ભાવસ્થાના કેસોની સંખ્યા 9330 હતી, જે જૂન 2024માં ઘટીને 3401 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અમારું મિશન અવિરત ચાલુ રહેશે.
બાદમાં, પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, સરમાએ કહ્યું કે ડેટા એક NGO દ્વારા પ્રદાન કરવામાં આવ્યો છે જેણે સ્વતંત્ર રીતે સર્વે હાથ ધર્યો છે. તેમણે કહ્યું કે, એક મોટી રાષ્ટ્રીય એનજીઓએ આસામના ત્રણ હજાર ગામોમાં બાળ લગ્નની સ્થિતિની તપાસ કરી. દેશમાં એક મોટી ચર્ચા ચાલી રહી છે કે શું કડક કાયદા દ્વારા બાળ લગ્ન અટકાવી શકાય છે કે પછી તેની વિપરીત અસર થાય છે. સર્વેને ટાંકીને તેમણે વધુમાં જણાવ્યું હતું કે એવું જાણવા મળ્યું છે કે 81 ટકા લોકો બાળ લગ્ન સામેના કડક પગલાંનું સમર્થન કરે છે.