મે મહિનામાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભડકેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઈ રહી નથી. તાજેતરના ઘટનાક્રમમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં સૈનિક પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે. આ ઘટના મંગળવારે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બની હતી. જેના પછી ફરી હિંસાનો માહોલ સર્જાયો હતો. જયારે કુકીના ગામમાં બે મૈતેઈ કિશોરોના અપહરણ બાદ હત્યા કરાયાની પોલીસને આશંકા છે. આ ઘટના બાદ ફરી હિંસાનો દોર શરૂ થયો છે.
જેવા જ અપહરણના અહેવાલ ફરતા થયા કે હથિયારોથી લેસ કુકી આતંકીઓએ ઈમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લા સાથે કાંગચુપ વિસ્તારમાં લોકોના સમૂહ પર ગોળીબાર કરી દીધો હતો જેમાં બે પોલીસકર્મીઓ અને એક મહિલા સહિત સાત લોકો ઘવાયા હતા.
વૃદ્ધને ઉગ્રવાદીઓના ચુંગાલથી મુક્ત કરી લેવામાં આવ્યા હતા
અહેવાલ અનુસાર અગાઉ ઉગ્રવાદીઓએ ચાર મૈતેઈ લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં એક 65 વર્ષીય વૃદ્ધ સામેલ હતા. જોકે આ વૃદ્ધને ઉગ્રવાદીઓના ચુંગાલથી મુક્ત કરી લેવામાં આવ્યા હતા પણ અન્યોની કોઈ ભાળ મળી નથી. અપહરણ કરાયેલા લોકોમાં પુરુષ અને મહિલાઓ બંને સામેલ છે.
પોલીસે આ મામલે શું કહ્યું
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે પાંચ કુકી લોકો ચુરાચાંદપુરથી કાંગપોકપીની મુસાફરી કરી રહ્યા હતા પણ જ્યારે તે કાંગપોકપીની સરહદે પશ્ચિમ ઈમ્ફાલમાં દાખલ થયા તો કથિત રીતે મૈતેઈ લોકોના એક સમૂહે તેમને અટકાવ્યા અને તેમના પર હુમલો કરી દીધો હતો.
ઇમ્ફાલ જિલ્લામાં 5 નવેમ્બરે બે કિશોરોના ગુમ
જયારે મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં 5 નવેમ્બરે બે કિશોરોના ગુમ થવાના સંબંધમાં પોલીસે કુકી રિવોલ્યુશનરી આર્મી (KRA)ના બે માણસોની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને આરોપીઓની ઓળખ લંકોશી ચોંગેઈ અને સતગોગીન હેંગસિંગ તરીકે થઈ છે. પોલીસને બંને કિશોરોની હત્યાની પણ આશંકા છે.
આ મામલામાં પોલીસે કહ્યું કે, ‘મણિપુર પોલીસ અને સુરક્ષા દળે 5 નવેમ્બરે બે કિશોરોના ગુમ થવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓને પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. અન્ય આરોપીઓને પકડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
બે કિશોરો, 19 વર્ષીય એન્થોની ઉર્ફે ટેમ્બા અને 16 વર્ષીય એમ અભિનાશ ઉર્ફે ખાબા, રવિવારે તેમના ઘરથી 15 કિમી ઉત્તરે આવેલા અવાંગ સેકમાઈ ખાતે મીટિંગમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા. પોલીસે જણાવ્યું કે બંનેને છેલ્લે ગામગીફી ગામમાં જોવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના ફોન સતત સ્વીચ ઓફ જ મળીરહ્યા હતા. આ ગામ કુકી સમુદાયોનું ગામ છે, પોલીસને શંકા છે કે ગામમાં બંને કિશોરોનું અપહરણ કરવામાં આવ્યું છે.
મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં અનેક લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. મંગળવારે પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં મૈતેઇ આતંકવાદીઓ દ્વારા આર્મી જવાનના ત્રણ સંબંધીઓ સહિત ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ચાલી રહેલી આ હિંસામાં અત્યાર સુધીમાં 170થી વધુ લોકોના મોત થયા છે. લગભગ 50,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.