Bangladesh : બાંગ્લાદેશમાં મહિનાઓથી ચાલી રહેલી હિંસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગણી સાથે વિરોધ કરી રહેલા લોકો અને સત્તાધારી અવામી લીગના સમર્થકો વચ્ચે આજે રાજધાની ઢાકામાં ભીષણ અથડામણ થઈ હતી. રોઇટર્સ અનુસાર મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. જ્યારે 30 અન્ય ઘાયલ થયા છે. વિરોધીઓ સરકારના રાજીનામાની માંગણી સાથે ‘અસહકાર કાર્યક્રમ’માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું. અખબાર ‘ઢાકા ટ્રિબ્યુન’એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, “મુનશીગંજમાં દેખાવકારો અને અવામી લીગ સમર્થકો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને 30 અન્ય ઘાયલ થયા છે.”
જોકે, સમાચારમાં મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી. એક ન્યૂઝ પોર્ટલ ‘BDNews24’ અનુસાર, વિરોધીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી હતી અને અનામત સુધારાને લઈને તાજેતરના વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકો માટે ન્યાયની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. અસહકાર ચળવળના પહેલા દિવસે રાજધાનીમાં સાયન્સ લેબ ચોકડી પર વિરોધીઓ પણ એકઠા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધના આયોજકોએ જણાવ્યું હતું કે ઢાકામાં સાયન્સ લેબ, ધનમંડી, મોહમ્મદપુર, ટેકનિકલ, મીરપુર-10, રામપુરા, તેજગાંવ, ફાર્મગેટ, પંથપથ, જાત્રાબારી અને ઉત્તરામાં પણ પ્રદર્શન અને રેલીઓનું આયોજન કરવામાં આવશે.
વાહનોને આગ ચાંપવામાં આવી હતી
અખબાર ‘ડેઇલી સ્ટાર’ અનુસાર, રવિવારે બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટી (બીએસએમએમયુ)માં અજાણ્યા લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. અહેવાલો અનુસાર, લાકડીઓ ચલાવતા લોકો હોસ્પિટલના પરિસરમાં ખાનગી કાર, એમ્બ્યુલન્સ, મોટરસાયકલ અને બસોની તોડફોડ કરતા જોવા મળ્યા હતા, જેનાથી દર્દીઓ, એટેન્ડન્ટ્સ, ડોકટરો અને અન્ય સ્ટાફમાં ભય ફેલાયો હતો.