
ઘર તપાસતા રૂપિયાનો ઢગલો ૩૦,૦૦૦ રૂપિયાની લાંચમાં પકડાયો સરકારી અધિકારી કટક સર્કલના ખાણ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી ડિરેક્ટર દેવબ્રત મોહંતીની વેપારી પાસેથી લાંચ લેવા બદલ ધરપકડ ભુવનેશ્વરમાં ગઈકાલે (૨૪મી ફેબ્રુઆરીએ) ૩૦,૦૦૦ હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયેલા ખાણ-ખનીજ વિભાગના અધિકારી દેવબ્રત મોહંતીની ધરપકડ બાદ આ મામલે આજની તપાસમાં હાલ ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. આ મામલે આરોપી અધિકારી સાથે જાેડાયેલા ત્રણ સ્થળોની તપાસ કરતા તેમના ઘરમાં જાણે રૂપિયાનો ઢગલો થયો હોય તે સમાન ૪ કરોડ રૂપિયા મળી આવતા ચકચાર મચી છે, ત્યારે તપાસ અધિકારીઓ આ ઘટનાને રાજ્યમાં ભ્રષ્ટાચારના કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તી ગણાવી રહ્યા છે.
વિગતે વાત કરીએ તો, ઓડિશાના ભુવનેશ્વરમાં સ્ટેટ વિજિલન્સની ટીમને કોલસાનું ખાણનું લાઈસન્સ ધરાવતા એક વેપારીની ફરિયાદ મળી હતી કે, કટક સર્કલના ખાણ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા દેવબ્રત મોહંતી નામના સરકારી અધિકારી તેમની પાસે લાંચ માંગી રહ્યા છે. જે ફરિયાદને આધારે ઓડિશા સ્ટેટ વિજિલન્સની ટીમે ગઈકાલે ૨૪મી ફેબ્રુઆરીને મંગળવારે છટકું ગોઠવ્યું આરોપી અધિકારી દેવબ્રત મોહંતીને રૂ. ૩૦,૦૦૦ લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા.
એક ફરિયાદને આધારે કાર્યવાહી કરી આરોપી અધિકારી દેવબ્રત મોહંતી રૂ. ૩૦,૦૦૦ લાંચ લેતા રંગેહાથ પકડાતા વિજિલન્સ ટીમે તેમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી, ત્યારે તપાસમાં સામે આવ્યું કે, આ સરકારી અધિકારી દેવબ્રત મોહંતીએ વેપારીના કોલસા ડેપોને સુચારુ રીતે ચલાવવા અને કોલસાના પરિવહન માટે પરવાનગી આપવાના બદલામાં પૈસાની માંગણી કરી હતી.
બાદમાં ઘટનાને ગંભીરતાથી લઈને ઓડિશા વિજિલન્સની ટીમે લાંચ લેતા પકડાયેલા ખાણ-ખનીજ વિભાગના અધિકારી દેવબ્રત મોહંતીની ધરપકડ કરી તેમની વધુ પુછપરછ હાથ ધરી તેમની સાથે જાેડાયેલા ત્રણ સ્થળો ભુવનેશ્વરમાં મોહંતીના ફ્લેટ, ભદ્રક જિલ્લામાં તેમના પિતાના ઘરે અને કટકમાં તેમની ઓફિસ ચેમ્બર એમ ત્રણેય સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.
આ દરોડાની કાર્યવાહી દરમિયાન, ભુવનેશ્વરમાં આરોપી અધિકારી મોહંતીના ઘરમાંથી ઓડિશા વિજિલન્સના અધિકારીઓએ એક ટ્રોલી બેગમાં તથા ઘરના કબાટમાં છુપાવેલા કરોડો રૂપિયા મળી આવ્યા છે. અધિકારીઓએ આ તમામ રૂપિયા એકઠા કર્યા, ત્યારે રૂપિયાનો જાણે ઢગલો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, સાથે જ ટ્રોલી બેગમાં પણ જાણે કપડા ભર્યા હોય એ માફક ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ રૂપિયા સહિતની ચલણી નોટો મળી આવી હતી.
બાદમાં અધિકારીઓએ આરોપી અધિકારીના ઘરેથી મળેલા આ તમામ રૂપિયાની ગણતરી કરતા કુલ ૪ કરોડ રૂપિયા હોવાની માહિતી હાલ સામે આવી છે. આ ઉપરાંત, મોહંતીના ઓફિસના ડ્રોવરની તપાસ કરતા તેમાંથી અને તેમની વ્યક્તિગત તપાસ દરમિયાન ૧.૨૦ લાખ રૂપિયા મળી આવ્યા હતા. જે તમામ રકમને વિજિલન્સ ટીમે સ્થળ પર જ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આટલું જ નહીં આ કેસની પ્રાથમિક તપાસ બાદ આરોપી અધિકારી મોહંતીના અન્ય સંપત્તિઓ પણ શંકાના દાયરામાં આવી છે, જેમાં ભુવનેશ્વરમાં લગભગ ૨,૪૦૦ ચોરસ ફૂટ જમીન પર બનેલું બે માળનું રહેણાંક ઘર અને લગભગ ૧૩૦ ગ્રામ સોનું સામેલ છે. ઓડિશા વિજિલન્સની ટીમના અધિકારીઓએ આ જપ્તીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી ગણાવી છે.
હાલ, આ મામલે ભુવનેશ્વર વિજિલન્સ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ (સુધારા) અધિનિયમ, ૨૦૧૮ની કલમ ૭ હેઠળ આરોપી મોહંતી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે વધુ શોધખોળની કામગીરી ચાલુ છે, ત્યારે તપાસ આગળ વધતાં વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં તેવી વાત ઓડિશા વિજિલન્સના સૂત્રો જણાવી રહ્યા છે.




