
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
રાજસ્થાનના અજમેર જિલ્લાના ગોવિંદગઢમાં રહેતા ૬૨ વર્ષના રેખરાજ ઠાડા નામના વડીલ મજૂરી કરીને દર મહિને માંડ ૧૫,૦૦૦/- કમાય છે. જોકે તાજેતરમાં સુરતના ઇનકમટેક્સ વિભાગ તરફથી તેમના ઘરે એક નોટિસ પહોંચી ત્યારે આખા પરિવારના હોશ ઊડી ગયા હતા. આ નોટિસ કોઈ નાની-મોટી રકમની નહીં પણ રૂ. 975 કરોડનો ટેકસ ચૂકવવા માટેની હતી.
નોટિસમાં રેખરાજજીને સુરતની રૂપ રજત ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ગભરાયેલા પરિવારે જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફત તપાસ કરાવી તો ખબર પડી કે તેમના નામનો ઉપયોગ કરીને સુરતની જ બીજી જય બાબેરી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ" નામની શેલ કંપનીમાં તેમને ડિરેક્ટર બનાવી દેવાયા છે.
અહીં નવાઈની વાત એ છે કે રાજસ્થાનમાં રહેતા રેખરાજ ક્યારેય ગુજરાત ગયા જ નથી. કોઈ ઠગ ટોળકીએ તેમના આધાર અને PAN કાર્ડનો દુરુપયોગ કરીને કાગળ પર ડાયમન્ડ કંપનીઓ ઉભી કરીને કરોડોના કાળા નાણાંની હેરફેર કરી નાખી છે.
કંપનીના સરનામે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં કોઈ ડાયમન્ડ કંપનીને બદલે ૧૯૯૭ થી ચાલતી એક મિકેનિકલ વર્કશોપ નીકળી હતી. આટલા મોટા ફ્રોડ સામે હવે દરજી પરિવારે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આને કહેવાય વહીવટ ની પારદર્શિતાની આરપાર નો નમૂનો.




