
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સમાચાર મળ્યા કે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન હાઇકોર્ટમાંથી નામંજૂર થયા. આના પરથી સાબિત થાય છે કે ચૈતરભાઇ વસાવાને તોડી પાડવા માટે, તેમના મનોબળને તોડવા માટે રાજ્યની ભાજપ સરકાર થાય એટલા પ્રયત્ન કરી રહી છે અને એડી ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ હું ભાજપને કહેવા માગું છું કે, આ એ ચૈતર વસાવા છે જે તમારી સામે લડવાનું પસંદ કરશે પણ ઝૂકવાનું પસંદ નહીં કરે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સામે ઝૂકવાનું પસંદ કર્યું નહીં અને લડવાનું પસંદ કરીને તેમણે આજે સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે અને આદિવાસી સમાજના ઇતિહાસનું પુનરાવર્તન કરવાનું કામ કર્યું છે. હું આદિવાસી સમાજને અપીલ કરું છું કે જે ચૈતર વસાવાએ તમારી અસ્મિતાને મજબૂત કરવાનું કામ કર્યું છે એ ચૈતર વસાવાના સપોર્ટ માટે તમે હવે તમે ગાંધીચિંધ્યા માર્ગે બહાર નીકળો અને પોતાની તાકાત બતાવો અને બતાવી દો કે ચૈતર વસાવા પાછળ કેટલા બધા લોકો છે. આવનાર દિવસોમાં સુપ્રીમ કોર્ટ સહિત બીજા જે પણ રસ્તા હશે એ રસ્તા પર આગળ વધીને ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટેની કોશિશ અમે કરતા રહીશું અને અમને આશા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળશે.




