
પશ્ચિમ કચ્છમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા તેમજ દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ભાવનગર ખાતે દારૂ પીવાથી આશરે 12થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે તથા અનેક લોકો સારવાર હેઠળ છે. સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. તેમજ કચ્છમાં પણ આ પ્રકારના બનાવો બનતા રહે છે. પશ્ચિમ કચ્છમાં દેશી અને વિદેશી દારૂ વેચાતો હોવાની અનેક ફરિયાદો મળી રહી છે, ત્યારે દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અને બુટલેગરો તથા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, કચ્છમાં દેશી અને વિદેશી દારૂના અનેક ઠેકાણાઓ સરેઆમ ધમધમી રહ્યા છે અને તેના વીડિયો તથા ફોટા અવારનવાર બહાર આવતા હોય છે. કચ્છમાં દારૂની લતથી અનેક પરિવારો પાયમાલ થઈ રહ્યા છે તથા આજની યુવા પેઢી નશામાં બરબાદ થઈ રહી છે. તેથી કચ્છમાં વેચાતા દારૂની તાત્કાલિક ધોરણે તપાસ કરી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ દારૂ વેચાતા સેન્ટરો બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, આગામી 10 દિવસમાં પશ્ચિમ કચ્છમાં સરેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ પર અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતાની સાથે મળી આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




