
ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય: ઉત્તરાખંડમાં અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોએ ચૂકવવો પડશે Green Cess. વાહનોના ફાસ્ટેગ દ્વારા આ શુલ્ક ઓટોમેટિક કપાઈ જશે.
જો તમે ગુજરાત કે અન્ય કોઈ રાજ્યના શહેરોમાં રહો છો અને ડિસેમ્બરમાં ઉત્તરાખંડની સુંદરતા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ખરેખર, ડિસેમ્બર ૨૦૨૫થી ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનોએ Green Cess ચૂકવવો પડશે. રાજ્ય સરકારે આ અંગે આદેશ જારી કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, બાહ્ય રાજ્યોના વાહનોના રાજ્યમાં પ્રવેશ પર Green Cess ફરજિયાત હશે.
પરિવહન વિભાગના ઉચ્ચ અધિકારી એસ.કે. સિંહે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું કે ડિસેમ્બર ૨૦૨૫થી ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પાસેથી Green Cess લેવામાં આવશે. તેમણે કહ્યું કે, વાહનો પર લગાવેલા ફાસ્ટેગ દ્વારા આ શુલ્ક ઓટોમેટિક કપાઈ જશે. Green Cessની વસૂલાતની આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે રાજ્યની સરહદો પર ૧૬ સ્થળોએ ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
ઉત્તરાખંડ સરકારનો અંદાજ છે કે, આ Green Cess દ્વારા દર વર્ષે લગભગ ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયા સુધીની આવક થશે. પરિવહન વિભાગે આ વ્યવસ્થાને પારદર્શી બનાવવા માટે એક ખાનગી કંપની સાથે કરાર કર્યો છે. ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા ગઢવાલ અને કુમાઉં મંડળની સરહદો પર લગાવવામાં આવ્યા છે. આમાં કુલ્હાલ, આશારોડી, નારસન, ચિડિયાપુર, ખટીમા, કાશીપુર, જસપુર અને રુદ્રપુર જેવા મુખ્ય સરહદી પોઈન્ટ્સનો સમાવેશ થાય છે.
સરકારી આદેશમાં બાહ્ય રાજ્યોમાંથી આવતા વાહનો પર Green Cess લગાવવાની માહિતી આપવામાં આવી છે, પરંતુ કેટલાક વાહનોને આમાંથી છૂટ પણ આપવામાં આવી છે. જે વાહનો પર આ શુલ્ક લાગશે નહીં, તેમાં ટુ-વ્હીલર, ઇલેક્ટ્રિક અને CNG વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જે કોઈ વાહન ૨૪ કલાકની અંદર ફરીથી રાજ્યમાં પ્રવેશે છે, તેને ફરીથી Green Cess ચૂકવવો નહીં પડે.
પરિવહન વિભાગે સ્પષ્ટ કર્યું કે, Green Cess દ્વારા એકત્ર કરાયેલી રકમનો ઉપયોગ એર પૉલ્યુશન કંટ્રોલ કરવા, માર્ગ સુરક્ષામાં સુધારો કરવા અને શહેરી પરિવહન વિકાસ માટે કરવામાં આવશે. અલગ-અલગ વાહનો માટે નિર્ધારિત Green Cessના દરો જાેઈએ તો કાર પર ૮૦ રૂપિયા, ડિલિવરી વેન પર ૨૫૦ રૂપિયા, ભારે વાહનો પર દિવસે ૧૨૦ રૂપિયા, બસ પર ૧૪૦ રૂપિયા અને ટ્રક પર કદના આધારે ૧૪૦થી ૭૦૦ રૂપિયા સુધીનો સેસ વસૂલવામાં આવશે.
નોંધનીય છે કે, ગયા વર્ષે ૨૦૨૪માં પણ ઉત્તરાખંડ સરકારે Green Cess લગાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને અમલમાં લાવવામાં સતત વિલંબ થતો રહ્યો. હવે સરકારે આ વ્યવસ્થાને અમલમાં લાવવાનો પૂરો નિર્ણય લીધો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થાને રાજ્યમાં લાગુ કરવામાં વિલંબનું સૌથી મોટું કારણ તેના શુલ્ક નક્કી કરવાનું હતું.




