
૬૬ ર્જાતિ OBC ક્વૉટાથી બહાર.ઓબીસી જ્ઞાતિઓની યાદીને અપાયેલી વૈધાનિક માન્યતાને સંપૂર્ણપણે રદ્દ.૭૭ મુસ્લિમ સમુદાયોને OBC યાદીમાંથી બહાર કરાયા છે : કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ આ ર્નિણય લેવાયો.પશ્ચિમ બંગાળ વિધાનસભામાં અન્ય પછાત વર્ગ (OBC) અનામતના કાનૂની માળખામાં મોટા ફેરફાર કરતા બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા છે. આ નવા કાયદા હેઠળ પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગને વધુ સત્તા આપવામાં આવી છે, જ્યારે અગાઉની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારના શાસનકાળ દરમિયાન ઓબીસી જ્ઞાતિઓની યાદીને અપાયેલી વૈધાનિક માન્યતાને સંપૂર્ણપણે રદ્દ કરી દેવામાં આવી છે. નવી વ્યવસ્થા અનુસાર, હવે રાજ્યમાં એસસી (SC) અને એસટી (ST) સિવાયના માત્ર ૬૬ વિશિષ્ટ સમુદાયોને જ ઓબીસી કોટાનો લાભ મળશે. આ નવા કાયદા હેઠળ ૭૭ મુસ્લિમ સમુદાયોને ઓબીસી યાદીમાંથી બહાર કરી દેવાયા છે. જે કલકત્તા હાઈકોર્ટના મે ૨૦૨૪ના આદેશના પાલન અંતર્ગત લેવાયેલો મોટો ર્નિણય છે.
નવા નિયમો મુજબ, હવે પશ્ચિમ બંગાળમાં માત્ર ૬૬ જ્ઞાતિઓ જ ઓબીસી અનામતના દાયરામાં રહેશે, જેમાં ૫૪ હિન્દુ અને ૧૨ મુસ્લિમ સમુદાયોનો સમાવેશ થાય છે. પછાત વર્ગ કલ્યાણ મંત્રી ગૌરીશંકર ઘોષે વિધાનસભામાં પશ્ચિમ બંગાળ પછાત વર્ગ (સેવાઓ અને પદોમાં જગ્યાઓનું અનામત) (સુધારા) વિધેયક, ૨૦૨૬ અને પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ (સુધારા) વિધેયક, ૨૦૨૬ રજૂ કર્યા હતા. જેને ગૃહમાં મતદાન પ્રક્રિયા બાદ બહુમતીથી પસાર કરાયા હતા.
આ સુધારાનો મુખ્ય હેતુ મમતા સરકારે ૨૦૧૨માં કરેલા ફેરફારોને ઉલટાવવાનો છે. અગાઉ ઓબીસી કેટેગરી-એ હેઠળ ૬૫ અને કેટેગરી-બી હેઠળ ૭૮ સમુદાયોની યાદી હતી, જેને હવે કાનૂની રીતે નાબૂદ કરવામાં આવી છે. મંત્રી ગૌરીશંકર ઘોષે જણાવ્યું કે, સરકારે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન પૂરું કરીને ૧૯૯૩ની મૂળ ઓબીસી યાદીને પુન:સ્થાપિત કરી છે.
સુધારેલા કાયદા મુજબ, રાજ્ય સરકાર પછાત વર્ગ આયોગની સલાહથી ઓબીસી અનામતની ટકાવારી નક્કી કરશે, પરંતુ અનામતની કુલ મર્યાદા ૫૦ ટકાથી વધુ નહીં હોય. હવેથી આયોગની ભલામણો સરકાર માટે બંધનકર્તા રહેશે.
આ અગાઉ, મે ૨૦૨૪માં કલકત્તા હાઈકોર્ટે ૨૦૧૦ પછી ઈશ્યુ થયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ્દ કર્યા હતા, કારણ કે તત્કાલીન સરકારે આયોગને બાયપાસ કરીને જ્ઞાતિઓ ઉમેરી હતી. મે મહિનામાં સત્તા સંભાળ્યા બાદ નવી ભાજપ સરકારે રાજ્યમાં ૬૬ ઓબીસી વર્ગો માટે અનામત ૧૭% થી ઘટાડીને ૭% કરી દીધું હતું. વિધાનસભામાં મતદાન (ડિવિઝન) દરમિયાન આ બિલની તરફેણમાં ૧૮૬ વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં માત્ર ૧૭ વોટ નોંધાયા હતા અને ૬ સભ્યો મતદાનથી અલિપ્ત રહ્યા હતા.



