
આજે ચૈત્રી નવરાત્રીનો આઠમો દિવસ છે, પણ રામ નવમી કાલે બપોરે બાર પહેલાં પૂરી થતી હોય ને આજે રામનવમી ઉજવવાની રહેશે! પણ આપણે નવ દુર્ગાનાં આઠમાં સ્વરૂપ મહાગૌરીની મહત્તાનું મહિમા ગાન કરીશું. મહાગૌરીનું સ્વરૂપ એકદમ સૌમ્ય અને શાંત છે, ઉપરાંત કોઈ શસ્ત્ર પણ નથી! એટલે સિદ્ધિ મેળવવાં માટે અહિંસા જરૂરી છે, અથવા તો અહિંસા જ સૌથી મોટી સિદ્ધિ છે! કુંડલીની જાગરણ એ મારા અનુભવનું ક્ષેત્ર નથી, પણ કળીના પ્રભાવને કારણે સ્વભાવમાં જે પશુતા કે હિંસકતા આવી ગઈ છે, મનનાં દર્પણમાં જે મલિનતા આવી ગઈ છે, એ દૂર થાય માટે, સદગુરુ કૃપા થકી અનૂભૂતિનાં આકાશમાં તત્વતઃ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવો થકી સાધના ચક્રો પ્રમાણેનાં રંગો મુજબ રંગોળી રચી આલ્હાદક અનૂભૂતિ કરાવી શકે છે, એ વિશે થોડું લખ્યું. પણ એની માટે સદગુરુની આજ્ઞાનું આચરણ ખૂબ જ મહત્વનું છે, અને વાણીનાં મંત્ર જાપને વર્તન સુધી લઈ જઈ આત્મસાત કરવાનાં છે. સદગુરુ દેવે કુંડલીની જાગરણ વિશેનું પુસ્તકમાં લખ્યું હતું, કે માતાનાં ગર્ભમાં ગર્ભ જ્યારે ચાર મહિનાનો થાય ત્યારે બ્રહ્મરંધ્રથી પરમશક્તિ દ્વારા જીવ ગર્ભમાં પ્રવેશે છે, અને મુલાધાર પર કેન્દ્રિત થાય છે. જ્યાં સુધી જન્મ ન થાય ત્યાં સુધી ગર્ભમાં રહેલ શિશુની કુંડલિની શક્તિ જાગૃત હોય છે, અને એ ઉપર નીચે ફરીને, માતાની શક્તિ સાથે તાલમેલ સાધવા કોશિશ કરે છે. કોઈવાર માતા કળી પ્રભાવમાં ન કરવા જેવું કંઈક વર્તન કરે, તો જીવ મોહ માયાના બંધન નકારે તો માતાને ગર્ભપાત થાય છે. કેવી આશ્ચર્યજનક વાત છે નહીં! કે બ્રહ્મરંધ્રમાંથી જ આપણી અંદર એ શક્તિ આવી હતી, પરંતુ જન્મ લઈને આ મોહ માયાને મમતામાં એવા જકડાઈ ગયાં, કે પછી એનાં જાગરણ વિશે વિચાર્યું જ નહીં! તો આજે આપણે આ બ્રહ્મરંધ્ર પર ટકેલા સહસ્ત્રાર ચક્રની શાસ્ત્રીય રચના જોઈએ!
સહસ્રાર કે જે હજાર-પાંખડીવાળાને યોગ પરંપરાઓમાં તાજ ચક્ર કે સાતમું ચક્ર ગણવામાં આવે છે,જે આછાં જાંબલી રંગનું છે. તેને પંકજા, પૂર્ણ પંકજ, સહસ્ત્રાદલ, શતદલા જેવા ઘણાં નામ છે. સહસ્રારનું વર્ણન મધ્યયુગીન હઠ યોગ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. શિવ સંહિતા જણાવે છે કે તે શરીરની બહાર છે, જ્યારે અન્ય લોકો તેને માથાની ટોચે બ્રહ્મરંધ્ર પર મૂકે છે, જ્યાં આત્મા મૃત્યુ સમયે શરીરને છોડી દે છે. શાસ્ત્રોમાં કહ્યાં મુજબ તે 1000 પાંખડીઓ ધરાવે છે, અને આમ 50 પાંખડીઓ 20 સ્તરોમાં ગોઠવાયેલી હોય છે. સહસ્રારને વિવિધ રંગોની 1,000 પાંખડીઓવાળા કમળના ફૂલ તરીકે વર્ણવવામાં આવે છે. એનો મધ્ય ભાગ સોનેરી છે અને તેની અંદર એક ગોળાકાર ચંદ્ર પ્રદેશ, એક તેજસ્વી ત્રિકોણ સાથે અંકિત છે, જે કાં તો ઉપરની તરફ અથવા નીચે તરફ નિર્દેશ કરી શકે છે. તે શુદ્ધ ચેતના સાથે સંબંધિત સિસ્ટમમાં સૌથી સૂક્ષ્મ ચક્ર હોવાનું કહેવાય છે, અને આ ચક્રમાંથી જ અન્ય તમામ ચક્રો નીકળે છે. જ્યારે યોગી તેની કુંડલિની ચેતનાની ઊર્જાને આ બિંદુ સુધી લઈ જવા સક્ષમ બને છે, ત્યારે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિનો અનુભવ થાય છે. સહસ્ત્રાર માથાનાં મુગટ સાથે સંબંધિત છે, તે સામાન્ય રીતે ફોન્ટેલ અને ખોપરીના કોરોનલ અને ધનુષ્યના આંતરછેદ સાથે સંકળાયેલું છે.સહસ્રાર ચક્ર મસ્તિષ્કનાં મધ્યમાં રહેલું છે, જેને હજાર આરા હોય, શરીરમાં આ સ્થાન સર્વાધિક મહત્વનું છે.
ય દેતતદ્ધૃત્યં મનશ્ચૈતત્ । સંજ્ઞાાનમાજ્ઞાાનં વિજ્ઞાાનં પ્રજ્ઞાાનં મેઘા દ્રષ્ટિ ર્ધૃતિર્મતિર્મનીષા જૂતિ: સ્મૃતિ: સંકલ્પ: ક્રતુરસુ: કામો વશ ઇતિ સર્વાક્યેવૈતાનિ પ્રજ્ઞાાનસ્ય નામધેયાનિ ભવન્ત ।। આપણું જે હૃદય છે, તે જ મન પણ છે, પરંતુ યોગ્ય જ્ઞાાન, આજ્ઞાા કરવાની શક્તિ, જુદી જુદી રીતે જાણવાની શક્તિ, તત્કાળ જાણવાની શક્તિ, બધું ધારણ કરવાની શક્તિ, જોવાની શક્તિ, ધૈર્ય, બુધ્ધિ, મનન શક્તિ, વેગ, સ્મરણ શક્તિ, સંકલ્પ શક્તિ, ઇચ્છા શક્તિ, આ બધી શક્તિઓ અને આ જગતમાં જે કંઇ ચૈતન્યશક્તિ જુદા જુદા નામે પ્રસરે છે, આ તમામ ચૈતન્ય શક્તિ પ્રજ્ઞાા સ્વરૂપ પરમાત્મામાંથી જ ઉત્પન્ન થાય છે, એવી સહજ સમજ આપણે કેળવી શકતાં નથી, માટે હ્રદય અને મન બે ભિન્ન તત્વ બની જાય છે. સીધીસાદી ભાષામાં કહીએ તો | પીંડે ચ બ્રહ્માંડે | એવી સાક્ષાત અનૂભૂતિ થાય તો સમજવું કે સહસ્ત્રાર ચક્ર સક્રિય થયું છે.
માનવ કાયાની ધુરી એનાં ઉત્તર ધ્રુવ રૂપ સહસ્ત્રાર ચક્ર છે, અને બ્રહ્મરૂંધ્ર બ્રહ્માંડની ચેતના સાથે સંપર્ક સાધી આદાન-પ્રદાનનો પથ નિર્મિત કરે છે. પૃથ્વીનાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવની જેમ માનવ કાયાનાં પણ બે ધ્રુવ છે, એક સહસ્રાર ચક્ર અને બીજું મૂલાધાર ચક્ર. જેમ સૂૂર્યનાં કિરણોની ઊર્જા ઉત્તર ધ્રુવ પર વરસે, અને આખી પૃથ્વી પ્રકાશમાન થઈ એ કેન્દ્ર થકી જરૂરિયાત પ્રમાણે શક્તિ પ્રાપ્ત કરે છે. તે જ રીતે બ્રહ્મ ચેતનાનો ચૈતન્ય પ્રવાહ અંતરિક્ષમાંથી સતત પ્રવાહિત થતો રહે છે, જે મનુષ્યનાં શરીરમાં ઉપર રહેલાં આ સહસ્ત્રાર ચક્રમાં ઊતરે છે, અને ત્યાંથી નીચેની તરફ પ્રવાહિત થઇ દક્ષિણ ધ્રુવ રૂપ મૂલાધાર ચક્ર સુધી પહોંચે છે. અધ્યાત્મ વિજ્ઞાાન કહે છે, કે મૂલાધાર ચક્રમાંથી ઉપર ઉઠેલી કુંડલિની શક્તિ સહસ્રાર ચક્રમાં જ શિવ એટલે કે આ બ્રહ્માંડીય શક્તિ સાથે સંયોગ કરે છે, જેને આપણે જીવ શિવ મિલન કે બ્રહ્મ સાક્ષાત્કાર કહીએ છીએ. યોગશાસ્ત્ર દર્શાવે છે કે, બન્ને ભ્રમરની વચ્ચે ત્રણ-ત્રણ ઇંચ અંદર મસ્તિષ્કની મધ્યમાં ‘મહા વિવર’ નામના મહા છિદ્રની ઉપર નાના સરખાં પોલા ભાગમાં જ્યોતિ પુંજ રૂપમાં આ સહસ્રાર રહેલું હોય છે, અને જો આ ચક્ર સક્રિય થયું હોય તો ધ્યાનમાં બ્રહ્મરંધ્ર પાસે મશાલ રૂપે પ્રચંડ પ્રકાશ પુંજ દેખાય છે.
જોવા સાંભળવામાં સારું લાગે, પરંતુ આ ચક્ર સુધી ભોગી અને સંસારી જીવ પહોંચી શકે નહીં,એની માટે યોગની આકરી શરતો પાળવાનું શક્ય નથી. પરંતુ પ્રાકૃતિક રીતે આ શક્તિ ખુદ આપણી અંદર પ્રવેશીને મુલાધારમાં જઈ એને જાગૃત કરી ઉપર લાવી શકે! અને એ રીતે જીવ અને શિવનું મિલન શક્ય છે. ભક્તિ સાથે પણ યોગ શબ્દ લાગે છે, અને ભક્તિ યોગ થકી આપણે જીવ શિવનું મિલન કરાવી શકીએ છીએ, કારણ કે ભક્તિમાં ભાવનું પ્રાધાન્ય હોય છે, સાધન કે સાધનાનું હોતું નથી! એટલે જેવાં છીએ એવા સદગુરુનાં ચરણે બેસી જઈએ, અને આપણાથી કંઈ થયું નહીં, પસ્તાવો કરી, શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરવામાં આવે, તો મા જગત જનની જગદંબા આપણી પ્રાર્થના અવશ્ય સાંભળશે, અને આ અનોખી શક્તિનું જાગરણ આપણામાં રમત રમતમાં થઈ શકે. દરેક સાધના ચક્રના એક એક બીજ મંત્ર છે, પણ બીજ મંત્ર એ તંત્રવિદ્યાનો પ્રયોગ છે, અને એવા કેટલાય મંત્રો છે, જેનાં થકી તંત્રવિદ્યામાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ સીધા સાદા નામ મંત્ર આગળ ૐ નામનાં મુખ્ય બીજ મંત્ર લગાડીને, આ કાર્યને અંજામ સુધી લઈ જઈ શકીએ. સિદ્ધિ પ્રાપ્ત થાય કે ન થાય, પરંતુ શુદ્ધિ અવશ્ય થાય છે, અને ભક્તિમાં શુદ્ધિનું જ મહત્વ હોય છે, અને શુદ્ધ હૃદયમાં ભગવાનનો વાસ હોય છે, એટલે હૃદય શુદ્ધ થતાં પરમાત્મા તત્વની પ્રતીતિ થાય છે, આમ અનાહત ચક્ર સુધી જીવ પહોંચી જાય છે. જીભના બે મહત્વના કામ પર પણ સંયમ આવતા ત્યાં પણ વિશ્રામ અને શાંતિનો અનુભવ થાય છે. સદગુરુની આજ્ઞાનું અક્ષરશ પાલન કરવાથી, એમનો વરદ હસ્ત આપણને આશીર્વાદ દેવાં આપણાં માથાં પર મુકાય છે, અને એ પરમ સ્પર્શ આપણું સહસ્ત્રાર સક્રિય કરે છે, અને આ રીતે આપણાંમાં એ સાતે ચક્ર જાગૃત થાય, અને જીવ શિવનું મિલન થાય. જીવ જીવન મુક્ત દશાનો અનુભવ કરે, નિર્વાણનો અનુભવ કરે છે. આપણે પણ યથા યોગ્ય સમજ દ્વારા ભક્તિનાં એ પરમભાવ સુધી પહોંચીને ભક્તિ યોગ થકી આ સાતમા અને અંતિમ ચક્રને જાગૃત કરીને નવદુર્ગા ના નવમા સ્વરૂપ સિદ્ધી દાત્રીને પ્રણામ કરી, આ કળિયુગી બુદ્ધિને કારણે મલિન થયેલાં માનસમાં રામનવમી એ રામને જન્માવીએ. જય ભવાની.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)




