
MIRV સિસ્ટમથી સજ્જ મિસાઇલ એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવવા સક્ષમ.દેશની પ્રહાર ક્ષમતામાં વધારો, એડવાન્સ્ડ અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ.મિસાઇલની સમગ્ર યાત્રા પર નજર રાખવા માટે જમીન આધારિત અને જહાજ આધારિત અનેક ટ્રેકિંગ અને ટેલિમેટ્રી સ્ટેશનોનો ઉપયોગ કરાયો હતો.ભારતે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV)સિસ્ટમથી સજ્જ એડવાન્સ્ડ અગ્નિ મિસાઇલનું હિંદ મહાસાગર રિઝનમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ આધુનિક અગ્નિ મિસાઇલ વિશાળ એરિયામાં એક સાથે વિવિધ ટાર્ગેટ પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. મિસાઇલના સફળ પરીક્ષણ બદલ સંરક્ષણ પ્રધાન રાજથનાથ સિંહે ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO), ઇન્ડિયન આર્મી અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે આનાથી દેશ સામે વધતા જતાં સુરક્ષા ખતરાઓ સામે દેશની સંરક્ષણ તૈયારીઓને મોટી તાકાત મળશે. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ MIRV ક્ષમતાવાળી અદ્યતન અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશા સ્થિત ડો. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ અનેક પેલોડ સાથે કરવામાં આવ્યું હતું, જેનાથી એકસાથે અનેક ટાર્ગેટ પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. મિસાઇલની સમગ્ર યાત્રા પર નજર રાખવા માટે જમીન આધારિત અને જહાજ આધારિત અનેક ટ્રેકિંગ અને ટેલિમેટ્રી સ્ટેશનોનો ઉપયોગ કરાયો હતો. ઉડાન ભરવાથી લઈને તમામ પેલોડ્સના નિર્ધારિત સ્થળે પ્રહાર સુધીની પ્રક્રિયા સફળ રહી હતી. આ સફળ પરીક્ષણ સાથે ભારતે એક જ મિસાઇલ સિસ્ટમ દ્વારા અનેક વ્યૂહાત્મક લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા દર્શાવી છે. આ મિસાઇલ દેશભરના ઉદ્યોગોના સહયોગથી DRDO ની લેબોરેટરીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. આ પરીક્ષણ દરમિયાન DRDO ના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને ભારતીય સેનાના અધિકારીઓ હાજર રહ્યા હતાં.આ પહેલા ગુરુવારે DRDO અને ઇન્ડિયન એર ફોર્સ (IAF) એ ઓડિશાના દરિયા કિનારે ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન (TARA) હથિયારનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું હતું.TARA ભારતની પ્રથમ સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલી છે, જે સામાન્ય અનગાઇડેડ વોરહેડ્સને ચોક્કસ નિશાન સાધનારા સચોટ ગાઇડેડ હથિયારમાં પરિવર્તિત કરે છે. આ સિસ્ટમની ડિઝાઇન અને સંશોધન હૈદરાબાદ સ્થિત રીસર્ચ સેન્ટર ઇમરત (RCI) અને DRDO ની લેબોરેટરીઓએ કર્યું છે. આ હથિયાર પ્રણાલી ઓછા ખર્ચે જમીન આધારિત લક્ષ્યોને ચોકસાઈથી નિશાન બનાવી શકે છે.



