
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
એક સમયે દાદા, દાદી, બાપા, બા, ભાઈઓ, બહેનો ઘરમાં સાથે જમતા હતા. કુટુંબ નાનું થયુ ત્યારે પણ કમસે કમ રાતના જમતી વખતે સાથે બેસીને ગપાટા મારતા હતા. સારા માઠા સમાચારની ચર્ચાઓ ચાલતી હતી. કોઈ આવતું તો તેની સાથે ચા-પાણી થતા. ટૂંકમાં કુટુંબમાં કોઈ સંવાદ હતો. વાતો હતી, હસવા-રડવાનું હતું. એ મોબાઇલ, લેપટોપ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, વોટ્સએપ માં એવું ગુમ થયું કે સંવાદ ઘરમાં ન રહેતા સોશિયલ મીડિયામાં પહોંચી ગયો છે. ઘરમાં વાતો બંધ થઈને બહારની વાતો ઘરમાં આવી. બહારની દુનિયા એવી રીતે ઘરમાં ગોઠવાઈ ગઈ છે કે ઘર ઘરની બહાર થઈ ગયું છે. માણસો યાંત્રિક થઈ ગયા ને ટ્રેજેડી જુઓ યંત્રો માણસ થવા મથે છે. તોય માણસને એ નથી સમજાતું કે માણસમાં જ કૈંક વિશિષ્ઠ છે નહીં તો મશીનો માણસ થવા શું કામ મથે? આજે ભારતમાં મોબાઈલ નો દુરુપયોગ કદાચ સૌથી વધુ થઈ રહ્યો છે અને એનો શિકાર આબાલવૃધ્ધ સૌ છે. એનું પરિણામ એ આવ્યું છે કે સૌ એટલા બીઝી થઈ ગયા છે કે કોઈને સલાહ કે ઠપકો આપી શકાતો નથી. મા-બાપ સંતાનને અભ્યાસ કે અન્ય બાબતે ટોકે તો તે ચૌદમે માળેથી કૂદી પડે છે કે મમ્મીની સાડીનો ફાંસો બનાવી લટકી જાય છે. એથી એવું થયું કે સંતાનને સાધારણ ઠપકો પણ મા-બાપ આપી શકતા નથી. ઠપકો આપવા જતાં બાળક હાથથી જાય તો તે સહન કરવા મા- બાપ તૈયાર નથી. આ પેઢી ગમે એટલી સ્માર્ટ હોય તો પણ તે સહનશીલ નથી. તે આક્રમક હોવાના વહેમમાં ભીરુ (ડરપોક) છે. તે જિંદગીનો સામનો કરવામાં જલ્દીથી હથિયારો હેઠાં મૂકી દે છે ને જિંદગીનો ઉતાવળે અંત લાવી દે છે. અને આ બધુ યુવા પેઢી પૂરતું સીમિત નથી. પરંતુ વડીલો પણ ઠરીને વિચારતા નથી ને ટ્રેન કે ટ્રક સામે પડતું મૂકે છે. દેવું વધી જતા તે લગ્નેતર સંબંધ ખુલ્લો પડી જતા સંતાનો સાથે જીવંન ટૂંકાવવાના પ્રયત્નો વધી પડયા છે. જરા થોભીને સૌએ વિચારવા જેવું છે કે જીવવું આટલું અધરું કેમ થઈ ગયુ છે?
એટલે જ રાજ કપૂરના મેરા નામ જોકરનું ગીત યાદ આવે છે કે એ ભાઈ જરા દેખકે ચલ એ દુનિયા એક સર્કસ હૈ!



