
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કડે પંજાબને નશામુક્ત બનાવવાના મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપેલા નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ અને અકાલી દળની સરકારોએ જ પંજાબને નશામાં ડૂબાડ્યું હતું, પરંતુ હવે “આપ” સરકાર તે નશા તસ્કરોની કમર તોડી રહી છે. જે આંતરરાષ્ટ્રીય નશા તસ્કરોને ભાજપ-અકાલી સરકારના મંત્રીઓ પોતાના ઘરે આશરો આપતા હતા, આજે તેમનો ધંધો બરબાદ થઈ ગયો છે. તેમણે કહ્યું કે કેન્દ્રિય ગૃહમંત્રી ભાજપ શાસિત ગુજરાત અને ઉત્તર પ્રદેશ પર ધ્યાન આપે, જ્યાં ઉંદરો ડ્રગ્સ ખાઈ રહ્યા છે. “આપ” સરકાર પંજાબને તો નશામુક્ત બનાવી જ દેશે. જો અમિત શાહ નશા વિરુદ્ધ કડકાઈ ઈચ્છે છે તો ભાજપ શાસિત રાજ્યોમાં જવાબદારી નક્કી કરે, જેથી ફરી ઉંદરો ડ્રગ્સ ન ખાઈ જાય.
મંગળવારે “આપ” મુખ્યાલય પર પ્રેસ વાર્તા દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કડે જણાવ્યું કે, આજે આપણા દેશમાં નશો એક ખૂબ મોટી સમસ્યા બની રહ્યો છે. પંજાબમાં પણ અકાળી દળ અને ભાજપે નશાને ફેલાવ્યો હતો અને તેના પર “ઉડતા પંજાબ” ફિલ્મ પણ બની હતી. તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે તે સમયે પણ ભાજપ અને અકાલી દળની સરકારો અને તેમના મંત્રીઓએ પોતાના ઘરમાં આંતરરાષ્ટ્રીય તસ્કરોને આશરો આપ્યો હતો. પોલીસને સૂચના આપવામાં આવતી હતી કે તેઓ નશા તસ્કરોને સાથે લઈ જાય અને ઘર-ઘર સુધી નશો પહોંચાડે.
પ્રિયંકા કક્કડે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં નશા તસ્કરો સામે કડક કાર્યવાહી કરી છે અને 50,000 થી વધુ નશા તસ્કરોની ધરપકડ કરી છે. આજે સ્થિતિ એવી છે કે પંજાબના બધા મોટા નશા તસ્કરોને રાજ્ય છોડીને ભાગવું પડ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીની સરકારે તેમનો ધંધો બરબાદ કરી દીધો છે. નશા તસ્કરીના આરોપમાં મોટા મોટા મંત્રીઓને પણ પકડવામાં આવ્યા છે.
પ્રિયંકા કક્કડે આગળ કહ્યું કે, મને ખૂબ અજીબ લાગ્યું કે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહ દાવો કરી રહ્યા હતા કે તેઓ પંજાબના બધા વિભાગોને એકત્ર કરીને નશા માફિયા પર કાર્યવાહી કરશે. પ્રિયંકા કક્કડે કહ્યું કે પંજાબમાં નશો તો ભાજપે ફેલાવ્યો હતો. જો નશા માફિયા પર પ્રહાર કરવો હોય તો ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં કરીને બતાવો. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને ત્યાંની સ્થિતિ એવી છે કે 25 માર્ચે ગુજરાત વિધાનસભામાં CAG નો રિપોર્ટ રજૂ થયો, તો ખબર પડી કે પોલીસ સ્ટેશનમાંથી 2300 કિલો ડ્રગ્સ ગાયબ થઈ ગયુ. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 144 કિલો ચોરી થઈ ગયો અને બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા.
પ્રિયંકા કક્કડે કહ્યું કે, અન્ય રાજ્યોમાં પણ ભાજપની પોલીસ આવું જ નિવેદન આપે છે. મુંબઈમાં તાજેતરમાં 130 કિલો ગાંજો પકડાયો અને કેસ કોર્ટમાં પહોંચ્યો તો પોલીસે કહ્યું કે તેને ઉંદરો ખાઈ ગયા. ઝારખંડમાં 200 કિલો અને મથુરામાં 500 કિલો ગાંજો પકડાયા પછી પણ પોલીસે કોર્ટમાં એ જ કહ્યું કે ઉંદરો ખાઈ ગયા. હવે ગુજરાતમાં પણ 2300 કિલો ડ્રગ્સને ઉંદરો ખાઈ ગયા. પુરાવા ગાયબ થતા કોર્ટને તેમને છોડવા પડે છે.
પ્રિયંકા કક્કડે કહ્યું કે, આ બધું ગાયબ થાય છે કારણ કે ઉપરથી લઈને નીચે સુધી ભાજપ નશાના ધંધામાં સંકળાયેલ છે. આ બધી સરકારો ભાજપના તસ્કરો જ ચલાવી રહ્યા છે. ભાજપ તસ્કરોને જ સાંસદ, પાર્ષદ, ધારાસભ્ય, અને નેતા બનાવે છે અને આ જ ગેરકાયદેસર ધંધો ઉપરથી નીચે સુધી ચાલી રહ્યો છે. 2300 કિલો કોઈ નાની માત્રા નથી કે હવામાં ઉડી જશે અથવા ઉંદરો ખાઈ જશે. ભાજપના લોકો જનતાને મૂર્ખ સમજે છે અને ફરીથી તસ્કરોને બચાવી લેશે. આજ સુધી મુન્દ્રા પોર્ટ પર જે 20,000 કિલો ડ્રગ્સ પકડાયુ હતું, તેનો માલિક જેલમાં કેમ નથી અને તેને શું સજા આપવામાં આવી?




