
ચૂંટણી પૂર્વે મંદિર-મસ્જિદનો મુદ્દો ચર્ચામાં.બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના કરાશે : મમતાની જાહેરાત.મમતા બેનરજી કોલકાતાના ન્યૂ ટાઉનમાં દેવી દુર્ગાને સમર્પિત એક સંકુલ દુર્ગા આંગનના શિલાન્યાસ સમારોહમાં પહોંચ્યા હતા.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિધાનસભાની ચૂંટણી પૂર્વે હિન્દુત્વ કાર્ડ ખેલવા જઇ રહ્યા છે. મમતાએ સોમવારે મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં પશ્ચિમ બંગાળના સૌથી મોટા મહાકાલ મંદિરનો શિલાન્યાસ કરાશે. સાથે જ મમતાએ દાવો કર્યો હતો કે તેઓ એક સેક્યૂલર નેતા છે અને તમામ ધર્મો પ્રત્યે માન ધરાવે છે.
મમતા બેનરજી કોલકાતાના ન્યૂ ટાઉનમાં દેવી દુર્ગાને સમર્પિત એક સંકુલ દુર્ગા આંગનના શિલાન્યાસ સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું ખરા અર્થમાં એક સેક્યૂલર વ્યક્તિ છું. કાર્યક્રમને સંબોધિત કરતા મમતાએ કહ્યું હતું કે બંગાળના સૌથી મોટા મહાકાલ મંદિરના નિર્માણ માટે મે જમીનની પસંદગી કરી લીધી છે તેનું નિરિક્ષણ પણ મે કર્યું છે. જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં મહાકાલ મંદિરનો પાયો નાખવામાં આવશે. મે પૂજા દરમિયાન જ આ તારીખ નક્કી કરી લીધી હતી. આ દરમિયાન મમતા બેનરજીએ તૃષ્ટિકરણના આરોપોને પણ નકાર્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે હું ખરા અર્થમાં સેક્યૂલર છું, કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ કાર્યક્રમોમાં ભાગ લઇ રહી છું. ભાજપ વારંવાર મમતા પર તૃષ્ટિકરણ કરવાનો આરોપ લગાવતું આવ્યું છે. તાજેતરમાં જ ટીએમસીમાંથી કાઢી મુકાયેલા એક મુસ્લિમ નેતા હુમાયુંએ બંગાળમાં બાબરી મસ્જિદ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી જેને પગલે પણ ભાજપે મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હવે મમતાએ જ્યારે મંદિર સ્થાપવાની જાહેરાત કરી છે ત્યારે પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ મંદિર અને મસ્જિદનો મુદ્દો ચર્ચામાં રહી શકે છે.




