
BCCI નું મક્કમ વલણ,ICCની વિનંતી પણ ફગાવી.BCCI એ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની નો-હેન્ડશેક નીતિ જાળવી રાખી.અંડર-૧૯ની પાંચમી મેચમા ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ સમયે પાકિસ્તાનના કેપ્ટન સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાઈ રહેલી અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૫ ની પાંચમી મેચમાં પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની નો-હેન્ડશેક નીતિ જાળવી રાખી છે.
આ ર્નિણય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા રાજકારણને જુનિયર-સ્તરના ક્રિકેટથી દૂર રાખવાની વિનંતી છતાં લેવામાં આવ્યો છે. BCCI એ ICCની આ વિનંતીને અવગણીને, ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ સમયે પાકિસ્તાનના કેપ્ટન સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.
આ હાઈ-પ્રોફાઇલ મુકાબલામાં રવિવારના રોજ, જ્યારે પાકિસ્તાનના કેપ્ટન ફરહાન યુસુફે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો, ત્યારે ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રે તેમની પાછળ હાથ મિલાવ્યા વિના ઊભા રહ્યા.
પ્રેઝેન્ટર સાથે ટૂંકી વાતચીત કર્યા બાદ, યુસુફે આઇ કોન્ટેક્ટ કર્યા વિના માઇક્રોફોન મ્હાત્રેને સોંપી દીધો અને સીધા ડગઆઉટ તરફ ચાલ્યા ગયા. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે BCCI દ્વારા લાગુ કરાયેલ નીતિ હજુ પણ અમલમાં છે.
આ નીતિની શરૂઆત સપ્ટેમ્બરમાં વરિષ્ઠ એશિયા કપ મેચ દરમિયાન થઈ હતી, જ્યાં ભારતીય સેના અને પહલગામ આતંકી હુમલાના પીડિતો પ્રત્યે એકતા દર્શાવવા માટે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. બાદમાં મહિલા વન-ડે વર્લ્ડ કપ અને રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં પણ આ જ વલણ અપનાવવામાં આવ્યું હતું.
એક અહેવાલ મુજબ,ICC એ U-19 ક્રિકેટમાંથી રાજકારણને દૂર રાખવા માટે ભારતને આ વલણ તોડવા વિનંતી કરી હતી, પરંતુ અંતિમ ર્નિણય BCCI પર છોડવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે જાે આ નીતિ ચાલુ રાખવામાં આવે તો મેચ રેફરીને અગાઉથી જાણ કરવી જરૂરી છે.




