
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની શરૂઆતી મેચમાંથી બહાર થઈ શકે છે. રોહિત શર્મા અંગત કારણોસર બેમાંથી એક મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. તેણે આ અંગે બીસીસીઆઈને જાણ કરી છે. ભારતીય ટીમે 2014/15 થી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જોરદાર પ્રદર્શન કર્યું છે અને સતત ટ્રોફી જીતી છે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભાગ લેશે અને એવી સંભાવના છે કે રોહિત એડિલેડ (6 થી 10 ડિસેમ્બર)માં યોજાનારી પ્રથમ ટેસ્ટ અથવા બીજી મેચમાં નહીં રમે.
બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, “સ્થિતિ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા નથી.” જાણવા મળી રહ્યું છે કે રોહિતે બીસીસીઆઈને જાણ કરી છે કે કોઈ અંગત બાબતને કારણે તેણે શ્રેણીની શરૂઆતમાં બે ટેસ્ટમાંથી એક મેચ ગુમાવવી પડે તેવી શક્યતા છે.
તેણે કહ્યું, “જો સિરીઝની શરૂઆત પહેલા અંગત મુદ્દાઓ ઉકેલાઈ જાય તો તે પાંચેય ટેસ્ટ મેચ રમી શકે છે. આગામી દિવસોમાં આ અંગે વધુ માહિતી મેળવીશું. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ વિરૂદ્ધ ઘરઆંગણે બંને ટેસ્ટ મેચ રમી હતી અને હવે ભારતીય ટીમ 16 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની યજમાની કરશે.
જો રોહિત ઓસ્ટ્રેલિયા સામે શરૂઆતની મેચ નહીં રમે તો તેના સ્થાને ઈનફોર્મ અભિમન્યુ ઈશ્વરનનો સમાવેશ થઈ શકે છે. ઇશ્વરન પણ ભારત A ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં હશે, જેની તેણે કેપ્ટનશીપ કરવાની છે. રોહિતની જગ્યાએ શુભમન ગિલ અથવા કેએલ રાહુલને પણ યશસ્વી સાથે ઓપનિંગ કરવા માટે કહેવામાં આવી શકે છે.
ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ:
- પહેલી ટેસ્ટ: 22-26 નવેમ્બર (પર્થ સ્ટેડિયમ, પર્થ)
- બીજી ટેસ્ટ: 6-10 ડિસેમ્બર (એડીલેડ ઓવલ, એડિલેડ)
- ત્રીજી ટેસ્ટ: 14-18 ડિસેમ્બર (ધ ગાબા, બ્રિસ્બેન)
- ચોથી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્ન)
- પાંચમી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની)
આ પણ વાંચો – પાકિસ્તાન ફરી ઘરઆંગણે થઈ અપમાનિત, પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 47 રને હરાવ્યું
