ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને કૌટુંબિક તબીબી કટોકટીના કારણે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાંથી અચાનક ખસી ગયો છે. આના થોડા કલાકો પહેલા જ તે અનિલ કુંબલે પછી 500 ટેસ્ટ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો હતો. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે બીજી અપડેટ આપી અને લખ્યું કે અશ્વિનની માતા મેડિકલ ઈમરજન્સીનો સામનો કરી રહી છે. રાજીવ શુક્લાએ કહ્યું- હું અશ્વિનની માતાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. તેણે રાજકોટ ટેસ્ટ છોડીને માતા સાથે રહેવા ચેન્નાઈ જવું પડશે.
બીસીસીઆઈએ અપડેટ આપી હતી
આ પહેલા બીસીસીઆઈએ શુક્રવારે મોડી રાત્રે આ ઘટનાક્રમ અંગે અપડેટ આપી હતી. બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું હતું કે, ‘રવિચંદ્રન અશ્વિન ફેમિલી મેડિકલ ઈમરજન્સીના કારણે તાત્કાલિક અસરથી ટેસ્ટ ટીમમાંથી ખસી ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ટીમ આ પડકારજનક સમયમાં અશ્વિનને સંપૂર્ણ સમર્થન આપે છે. ભારતીય ક્રિકેટ બોર્ડે અશ્વિનના ખસી જવા પાછળનું ચોક્કસ કારણ જાહેર કર્યું ન હતું અને દરેકને ક્રિકેટરની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરી હતી.
બોર્ડે લખ્યું, ‘BCCI ચેમ્પિયન ક્રિકેટર અને તેના પરિવારને હાર્દિક સમર્થન આપે છે. ખેલાડીઓ અને તેમના પ્રિયજનોનું સ્વાસ્થ્ય અને સુખાકારી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બોર્ડ અશ્વિન અને તેના પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરે છે કારણ કે તેઓ આ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. બોર્ડ અને ટીમ અશ્વિનને કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે અને જરૂરિયાત મુજબ સમર્થન આપવા માટે હંમેશા તૈયાર છે. ટીમ ઈન્ડિયા આ સંવેદનશીલ સમયમાં ચાહકો અને મીડિયાની સમજણ અને સહાનુભૂતિની પ્રશંસા કરે છે.
અશ્વિને મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સિદ્ધિ વિશે વાત કરી હતી. ત્રીજી ટેસ્ટના બાકીના સમયમાં ભારત 10 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે. હવે કેપ્ટન રોહિત પાસે આ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના રૂપમાં ચાર નિષ્ણાત બોલરોનો વિકલ્પ છે. એવું માનવામાં આવે છે કે રાંચી (25 થી 29 ફેબ્રુઆરી) અને ધર્મશાલા (7 થી 11 માર્ચ)માં યોજાનારી બાકીની મેચોમાં અશ્વિન ઉપલબ્ધ રહેશે નહીં.
રાજકોટ ટેસ્ટ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ભારતનો પ્રથમ દાવ 445 રનમાં સમાપ્ત થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ 131 રન, રવિન્દ્ર જાડેજાએ 112 રન અને સરફરાઝ ખાને 62 રન બનાવ્યા હતા. આ સિવાય અંતમાં અશ્વિને પણ 37 રનની ઇનિંગ રમી હતી અને ધ્રુવ જુરેલે 46 રનની ઇનિંગ રમી હતી. માર્ક વૂડે ચાર વિકેટ લીધી હતી. જવાબમાં બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં બે વિકેટે 207 રન બનાવી લીધા હતા. બેન ડકેટ 133 રન બનાવીને અણનમ છે અને જો રૂટ નવ રન બનાવીને અણનમ છે.