
વિરાટ કોહલીએ પણ રંગ રાખી દીધો છેલ્લી મેચમાં ભારતની ધમાકેદાર જીત, રોહિત શર્માની શાનદાર સદીઆ મેચમાં ભારતે ૯ વિકેટથી જીતી લીધી : મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ૨૩૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમ ઈંડિયા ચેઝ કરી લીધો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ શનિવારે સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ ગઈ. આ મેચમાં ભારતીય ટીમે ૯ વિકેટથી જીત મેળવી લીધી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ૨૩૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને આસાનીથી ટીમ ઇન્ડિયાએ ચેઝ કરી લીધો હતો.
ભારતીય ટીમને પર્થમાં રમાયેલી વન ડે સિરીઝની પહેલી મેચમાં ડીએલએસ નિયમ અંતર્ગત ૭ વિકેટથી હાર વેઠવી પડી હતી. તો વળી એડિલેડ વન ડેમાં તેમણે મેજબાન ટીમને ૨ વિકેટથી હરાવી દીધા હતા. હવે ભારતીય ટીમે આ મેચ જીતીને સન્માન જાળવી રાખ્યું છે. ભારતે છેલ્લી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૯ વિકેટથી હરાવી દીધા છે. આ જીતમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું મહત્ત્વનું યોગદાન રહ્યું, જેમણે શાનદાર ઇનિંગ્સ રમી હતી. રોહિત શર્માએ વન ડે કરિયરની ૩૩મી સદી ફટકારી તો વળી વિરાટ કોહલીએ વન ડે કરિયરની ૭૫મી અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતની આ ૯મી સદી છે. રોહિતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ૫૦મી સદી ફટકારી છે. આ જીત છતાં ભારત ૩ મેચોની વન ડે સિરીઝમાં ૧-૨થી હારી ગયું. ઓસ્ટ્રેલિયાએ પર્થ અને એડિલેડમાં ભારતને હરાવી સિરીઝ પહેલાથી જ કબ્જે કરી લીધી હતી. જાે કે ત્રીજી અને છેલ્લી વન ડેમાં રોહિત અને વિરાટની શાનદાર વાપસીના દમ પર ભારતે ઓસ્ટ્રેલિયાને બરાબર જવાબ આપી દીધો છે. ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા ૨૩૭ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે ૩૮.૩ ઓવરમાં ૧ વિકેટના નુકસાન પર ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો. કપ્તાન શુભમન ગિલે ૨૬ બોલમાં ૨૪ રનની ઇનિંગ્સ રમી અને તેમણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યો હતો.
રોહિત શર્માએ ૧૦૫ બોલમાં સદી પૂરી કરી હતી. આ દરમ્યાન તેણે ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ભારતે ત્રીજી વાર ઓસ્ટ્રેલિયાને સિડનીમાં હરાવ્યું છે. રોહિત શર્માની ઓસ્ટ્રેલિયામાં વન ડેમાં આ છઠ્ઠી સદી છે, જે કોઈ પણ વિદેશી બેટ્સમેનનો આ ફોર્મેટમાં સૌથી વધારે છે. વિરાટ કોહલીએ આ દરમ્યાન પોતાના નામે એક મોટી સિદ્ધિ નોંધાવી છે. કોહલીએ વન ડેમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં સચિન તેંદુલકર બાદ બીજા નંબરે પહોંચી ગયો છે.
પર્થ અને એડિલેડમાં શૂન્ય પર આઉટ થનાર વિરાટ કોહલીએ સિડનીમાં શાનદાર વાપસી કરી છે. વિરાટ કોહલીએ સિડની વનડેમાં અડધી સદી ફટકારી હતી. પોતાની ઈનિંગ દરમિયાન કોહલી વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ કુમાર સાંગાકારા (૧૪૨૩૪) રનનો રેકોર્ડ તોડ્યો હતો. વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન સચિન તેંડુલકર (૧૮૪૨૬) ના નામે છે. વિરાટ કોહલી ૮૧ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૭૪ રન બનાવી અણનમ રહ્યો હતો.
સિડની વનડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૬.૪ ઓવરમાં ૨૩૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશોએ અડધી સદી ફટકારતા ૫૬ રન બનાવ્યા હતા. મિચેલ માર્શ ૪૧, ટ્રેવિસ હેડ ૨૯, મેથ્યુ શોર્ટ ૩૦, એલેક્સ કેરી ૨૩ રન બનાવી આઉટ થયા હતા. આ સિવાય મિચેલ ઓવન ૧, સ્ટાર્ક ૨, નાથન એલિસ ૧૬ રન બનાવી આઉટ થયા હતા.
ભારત તરફથી હર્ષિત રાણાએ કમાલની બોલિંગ કરતા ૮.૪ ઓવરમાં ૩૯ રન આપી ૪ વિકેટ લીધી હતી. આ સિવાય વોશિંગટન સુંદરે ૪૪ રન આપી બે સફળતા મેળવી હતી. મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.




