
ઈરાનને અમેરિકાનું ૨૪ કલાકનું અલ્ટીમેટમ હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ અમેરિકાનો આરોપ છે કે, ઈરાને વેપારી જહાજાેને નિશાન બનાવીને અગાઉના કરારનું ઉલ્લંઘન કર્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એક વખત ગંભીર સ્તરે પહોંચી રહ્યો છે. અમેરિકાએ ઈરાનને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપતાં સ્પષ્ટ કહ્યું છે કે તે જાહેર રીતે જાહેરાત કરે કે હોર્મુઝની જળસંધિ તમામ વેપારી જહાજાે માટે ખુલ્લી રહેશે અને વેપારી જહાજાે પરના હુમલા બંધ કરવામાં આવશે. અમેરિકન અધિકારીઓએ ચેતવણી આપી છે કે, જાે ઈરાન આવું નહીં કરે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
Axios ના અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસને ઈરાનને સ્પષ્ટ સંદેશ મોકલ્યો છે કે તે જાહેરમાં હોર્મુઝની જળસંધિને ખુલ્લી રાખવાની અને વેપારી જહાજાે પર હુમલા ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે. અહેવાલમાં અમેરિકન અધિકારીઓના હવાલાથી જણાવાયું છે કે,આ સંદેશ ઈરાન સુધી સીધો તેમજ પ્રાદેશિક મધ્યસ્થો મારફતે પહોંચાડવામાં આવ્યો છે.એક અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે, “જાે આવતીકાલ સુધી ઈરાન આ ડિમાન્ડને સત્તાવાર રીતે નહીં અનુસરે તો તેનો દિવસ સારો નહીં જાય.”
અહેવાલ મુજબ અમેરિકા ઈચ્છે છે કે, ઈરાન જાહેરમાં જાહેરાત કરે કે હોર્મુઝની જળસંધિમાંથી પસાર થતા તમામ વેપારી જહાજાેની અવરજવર સુરક્ષિત રહેશે અને તેમના પર કોઈ હુમલો ન થાય.
ઉપરાંત, અમેરિકા ઈચ્છે છે કે ઈરાન સ્વીકારે કે તેની અગાઉની કાર્યવાહી ખોટી હતી અને ભવિષ્યમાં આ સમુદ્રી માર્ગ ખુલ્લો રહેશે તેમજ અહીંથી પસાર થતા જહાજાે પર કોઈ પ્રકારનો ટોલ અથવા શુલ્ક વસૂલવામાં નહીં આવે.
Axios ના અહેવાલ અનુસાર, અમેરિકન અધિકારીઓનું માનવું છે કે ઈરાને ગયા મહિને થયેલા સમજૂતી કરારનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાને વેપારી જહાજાેને નિશાન બનાવ્યા હતા, જેના જવાબમાં અમેરિકાએ બે વખત સૈન્ય કાર્યવાહી કરી હતી.
વધતા તણાવ વચ્ચે શનિવારે ઓમાનની રાજધાની મસ્કટમાં ઈરાન અને ઓમાનના અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. અમેરિકાને આશા છે કે આ બેઠકમાં ઈરાન હોર્મુઝની જળસંધિમાં નૌવહન સ્વતંત્રતા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરશે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ ઓમાન પહોંચશે. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા મુજબ આ મુલાકાત છેલ્લા એક-બે મહિનાથી ઓમાન સાથે ચાલી રહેલી ચર્ચાનો જ ભાગ છે. આ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હોર્મુઝની જળસંધિ અને સમુદ્રી જહાજાેની સુરક્ષા રહેશે.
હોર્મુઝની જળસંધિ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંની એક છે. વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનો મોટો હિસ્સો આ માર્ગ દ્વારા જ પસાર થાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આ જળમાર્ગ લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે.
અમેરિકા અને ઇઝરાયલે ફેબ્રુઆરીના અંતમાં શરૂ કરેલા સૈન્ય અભિયાનના જવાબમાં ઈરાને આ વ્યૂહાત્મક જળમાર્ગને અસરકારક રીતે બંધ કરી દીધો હતો. હવે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન જાહેરમાં આ માર્ગને સુરક્ષિત અને અવરોધમુક્ત રાખવાની ખાતરી આપે, જેથી વૈશ્વિક સમુદ્રી વેપાર પર કોઈ અસર ન પડે.




