
હું કોઈ ગાંધી કે હીરો નથી ભૂખ હડતાળના ૧૪મા દિવસે સોનમ વાંગચુકની ભાવુક અપીલ સોનમ વાંગચુકે લોકોને આંદોલનને ટેકો આપવા બદલ આભાર માન્યો : વાંગચુકનું વજન ૭.૫ કિલો ઘટ્યું છે કોકરોચ જનતા પાર્ટીની માંગણીઓના સમર્થનમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદતની ભૂખ હડતાલ ૧૪મા દિવસમાં પ્રવેશી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર આંદોલનને સમર્થન આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું કે, તેઓ માત્ર એક સામાન્ય નાગરિક છે, આધુનિક ગાંધી કે કોઈ હીરો નથી. શિક્ષણવિદ્ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકનું કહેવું છે કે, તેઓ માત્ર એક સામાન્ય નાગરિક છે, કોઈ આધુનિક ગાંધી કે હીરો નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે, તેઓ કોઈ અન્યને પોતાના લીડર માનવાને બદલે પોતાની જિંદગીના હીરો પોતે બને. પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શનિવારના રોજ ૧૪મા દિવસમાં પ્રવેશી ગઈ છે. જ્યારે, CJP નું વિરોધ પ્રદર્શન ૨૨મા દિવસમાં પહોંચી ગયું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ અપડેટ અનુસાર, ઉપવાસ શરૂ કર્યા પછી વાંગચુકનું વજન ૭.૫ કિલોગ્રામ ઘટી ગયું છે, અને તેમનું બ્લડ પ્રેશર ૧૦૬/૭૪ નોંધાયું છે. શુક્રવારે રાત્રે એક્સ (X) પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં વાંગચુકએ કહ્યું કે, તેઓ અગાઉના દિવસની સરખામણીમાં ઓછી ઉર્જા અનુભવી રહ્યા છે, પરંતુ તેઓ આંદોલન પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, ‘આજે મારા ઉપવાસનો ૧૩મો દિવસ છે. મને ગઈકાલ જેવી ઉર્જા નથી લાગી રહી. હું થોડો થાક અનુભવી રહ્યો છું. એવું બને છે કે, કેટલાક દિવસો સારા હોય છે અને કેટલાક નથી હોતા.‘ સોશિયલ મીડિયા પર આંદોલનને સમર્થન આપવા બદલ લોકોનો આભાર માનતા વાંગચુકએ જણાવ્યું કે, બે પ્રકારની ટિપ્પણીઓએ તેમને નિરાશ કર્યા છે. તેમણે કહ્યું, ‘ઘણા લોકો મને ૨૧મી સદીના ગાંધી કે, આધુનિક ગાંધી કહે છે. કેટલાક લોકો મને હીરો પણ કહે છે. આવી વાતો સાંભળીને મને અસ્વસ્થતા થાય છે. હું નથી ગાંધી કે, નથી કોઈ હીરો. હું બસ એક સામાન્ય નાગરિક છું, જેણે પોતાની જવાબદારીઓ નિભાવવાનો પ્રયાસ કર્યો છે.‘ તેમણે લોકોને અપીલ કરી કે, તેઓ કોઈ હીરોની શોધ કરવાને બદલે એક નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવે.
પરીક્ષામાં કથિત ગેરરીતિઓના કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાનો ઉલ્લેખ કરતા વાંગચુકએ લોકોને અપીલ કરી કે, તેઓ ચૂપ બેસી રહેવાને બદલે આ આંદોલનમાં જાેડાય. તેમણે કહ્યું, ‘જાે તે વિદ્યાર્થીઓમાંથી કોઈ તમારી બહેન કે દીકરી હોત, તો તમે અમારી સાથે ચોક્કસ જાેડાત. એવું થવાની રાહ ન જુઓ. જાે તમે રોજ અહીં ન આવી શકો, તો ઓછામાં ઓછું એક દિવસ જંતર-મંતર પર અમારી સાથે જાેડાઓ. જાે તમે દિલ્હી ન આવી શકો, તો તમે જ્યાં પણ હોવ ત્યાં જ ઉપવાસ રાખો, અને પોતાનો સંદેશ શેર કરો.‘ તેમણે લોકોને ૨૦ જુલાઈના રોજ સંસદ સુધી યોજાનારી પ્રસ્તાવિત માર્ચમાં જાેડાવાની અપીલ પણ દોહરાવી હતી.




