
ટ્રેનો સહિત કુલ ૩૦ રેલ સેવાઓ સંપૂર્ણપણે રદ કરાઈ મેઘતાંડવ વચ્ચે મુંબઇ-પૂણે રેલવે રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ અકસ્માત અને ટ્રેનો રદ થવાને કારણે દૈનિક અપડાઉન કરતા અને બહારગામ જતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
ભોર ઘાટ સેક્શનમાં થયેલા ભારે ભૂસ્ખલનને કારણે મુંબઈ-પૂણે રેલ માર્ગ પરનો વાહનવ્યવહાર ૧૭ જુલાઈ સુધી ગંભીર રીતે પ્રભાવિત રહેશે. મધ્ય રેલવે દ્વારા આ રૂટ પર દોડતી ૧૪ દૈનિક ટ્રેનો, ૮ સ્પેશિયલ તારીખો પર ચાલતી ટ્રેનો અને ૮ સ્પેશિયલ ટ્રેનો સહિત કુલ ૩૦ રેલ સેવાઓ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.આ અકસ્માત અને ટ્રેનો રદ થવાને કારણે દૈનિક અપડાઉન કરતા અને બહારગામ જતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. રદ કરવામાં આવેલી મુખ્ય ટ્રેનોમાં ડેક્કન ક્વીન, ડેક્કન એક્સપ્રેસ, મુંબઈ-પૂણે ઈન્ટરસિટી એક્સપ્રેસ, સીએસએમટી-હૈદરાબાદ એક્સપ્રેસ, ચેન્નઈ એગ્મોર સુપરફાસ્ટ મેઈલ અને હુબ્બલી-દાદર એક્સપ્રેસ જેવી મહત્ત્વની ટ્રેનોનો સમાવેશ થાય છે.ગત ૬ જુલાઈના રોજ પડેલા મુશળધાર વરસાદને પગલે કર્જત અને લોનાવાલા વચ્ચે આવેલા ઠાકુરવાડી તેમજ મંકી હિલ વિસ્તારમાં અનેક જગ્યાએ ભેખડો ધસી પડી હતી. આ ભૂસ્ખલનના કારણે રેલવેની ત્રણેય લાઈનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. હાલમાં રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી છે. જાેકે, દુર્ગમ પહાડી વિસ્તાર અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં ત્રણમાંથી માત્ર એક જ લાઈન પુન:સ્થાપિત કરી શકાઈ છે, જ્યારે બાકીની બે લાઈનો પર કામ હજુ પણ ચાલુ છે.ટ્રેનો રદ થવાને કારણે મુસાફરોને પડતી હાલાકી ઓછી કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ શનિવારથી મુંબઈ-પૂણે માર્ગ પર દરરોજ ૨૦૦ વધારાની બસ સેવાઓ શરૂ કરશે. આ રૂટ પર પહેલાથી જ ૩૧૨ ઈ-શિવનેરી બસો ચાલી રહી છે, ત્યારે આ નવી વધારાની બસો શરૂ થવાથી મુસાફરો કોઈપણ હાલાકી વગર અને સરળતાથી મુસાફરી કરી શકશે.




