
ડોનાલ્ડ ટ્રમ્પનો ૫ દિવસનો એશિયા પ્રવાસ મલેશિયા પહોંચતા જ ડોનાલ્ડ ટ્રમ્પે એરપોર્ટ પર કર્યો ડાન્સ, લાલ જાજમ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે (૨૬મી ઓક્ટોબર) તેમના પાંચ દિવસના મહત્ત્વપૂર્ણ એશિયાઈ પ્રવાસના પ્રથમ તબક્કા હેઠળ મલેશિયાની રાજધાની કુઆલાલંપુર પહોંચ્યા છે.
પ્રમુખ તરીકેના તેમના બીજા કાર્યકાળનો આ પ્રથમ એશિયા પ્રવાસ છે, જે ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે એશિયામાં અમેરિકાના મજબૂત ભાગીદારો બનાવવાની વ્યૂહરચના પર કેન્દ્રિત છે. વોશિંગ્ટનથી ૨૩ કલાકની લાંબી ફ્લાઇટ બાદ મલેશિયા પહોંચેલા ૭૯ વર્ષીય ટ્રમ્પ એરફોર્સ વનમાંથી ઉતરતા જ તાજગીભર્યા દેખાતા હતા, જ્યાં લાલ જાજમ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
કુઆલાલંપુર એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગત માટે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી પોશાક પહેરેલા કલાકારોએ મલેશિયાના મુખ્ય સમુદાયો બોર્નિયોના આદિવાસી, મલય, ચીની અને ભારતીયોનું પ્રતિનિધિત્વ કરીને નૃત્ય પ્રસ્તુત કર્યું. આ દરમિયાન મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ પણ તેમના મહેમાન ટ્રમ્પ સાથે સંગીતના તાલે ઝૂમી ઊઠ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પનો પાંચ દિવસનો આ એશિયા પ્રવાસ આ ક્ષેત્રમાં અમેરિકાની સ્થિતિને મજબૂત બનાવવા અને વેપાર સંબંધોને સુધારવાના પ્રયાસ તરીકે જોવા મળે છે. આ પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અનેક મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લેશે. ટ્રમ્પ અહીં આસિયાન સમિટમાં ભાગ લેશે. ત્યારબાદ તે ટોક્યો જશે, જ્યાં નવા ચૂંટાયેલા જાપાની વડાપ્રધાન સના તાકાચી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દક્ષિણ કોરિયાના ગ્યોંગજુમાં તે એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (DMZ) સમિટમાં ભાગ લેશે.
DMZ શિખર સંમેલન દરમિયાન ટ્રમ્પની મુલાકાત ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પણ થશે. બંને નેતાઓ વેપાર વાટાઘાટો અને અમેરિકા-ચીન વચ્ચેના તણાવ સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત, યુએસ પ્રમુખ ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉન સાથે ડિમિલિટરાઇઝ્ડ ઝોન (DMZ) ખાતે અનૌપચારિક મુલાકાત પણ કરી શકે છે, જેના પર વિશ્વભરની નજર છે.




