
ગાઝાના લોકો પર હુમલાની હમાસની યોજના: અમેરિકા ગાઝામાં ઇઝરાયેલનો બોમ્બ-તોપમારો: યુદ્ધવિરામ સામે જાેખમ પોતાના સૈનિકો પર ત્રણ સ્થળોએ હુમલા પછી હમાસ સામે કાર્યવાહી: સહાય પણ અટકાવી ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના નાજૂક યુદ્ધવિરામ સામે રવિવારે જાેખમ ઊભું થયું હતું. હમાસના ત્રાસવાદીઓએ ઇઝરાયેલી સૈનિકો સામે ફાયરિંગ કર્યા પછી ઇઝરાયેલે પણ ગાઝામાં શ્રેણીબદ્ધ સ્થળો પર બોંબમારો અને તોપમારો કર્યાે હતો. બંને પક્ષોએ એકબીજા પર યુદ્ધવિરામ ભંગનો આક્ષેપ કર્યાે હતો. ઇઝરાયેલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા હોવાનું સ્થાનિક આરોગ્ય સત્તાવાળાએ જણાવ્યું હતું. ઇઝરાયલી લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે ઇઝરાયલી સૈનિકો પર ઓછામાં ઓછા ત્રણ હુમલાઓના બદલામાં હમાસના ટાર્ગેટ પર હજુ પણ વધુ હુમલાઓ શરૂ થઈ શકે છે. રફાહના દક્ષિણ વિસ્તારમાં હમાસના આતંકવાદીઓએ ટેન્ક વિરોધી મિસાઇલ છોડી હતી અને તેના સૈનિકો પર ગોળીબાર કર્યાે હતો. તેમને નિશાન બનાવી હુમલા અને તોપમારો કરાયો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે તેમણે યુદ્ધવિરામના ઉલ્લંઘનનો કડક જવાબ આપવા સૈન્યને આદેશ આપ્યો છે. હમાસના સશસ્ત્ર દળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સમગ્ર ગાઝામાં યુદ્ધવિરામ કરાર પ્રત્યે પ્રતિબદ્ધ છે. તે રફાહમાં થયેલી અથડામણથી અજાણ છે અને માર્ચથી તે ત્યાંના ત્રાસવાદી જૂથો સાથે સંપર્કમાં નથી. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના ભાગરૂપે બંને પક્ષો વચ્ચે ૧૧ ઓક્ટોબર પ્રથમ તબક્કાની યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી. જાેકે રવિવારના સંઘર્ષથી કાયમી શાંતિની આશાઓ વધુ ધૂંધળી બની હતી. બીજી તરફ ઇઝરાયેલે ગાઝા અને ઇજિપ્ત વચ્ચેના રફાહ બોર્ડર ક્રોસિંગને બંધ
રાખવાની જાહેરાત કરી હતી. નેતન્યાહૂના કાર્યાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે હમાસ મૃત્યુ પામેલા ૨૮ બંધકોના મૃતદેહો પરત કરે તે પછી જ રફાહ બોર્ડર ખોલવામાં આવશે. ગયા સપ્તાહે હમાસે ૧૩ મૃતદેહો સોંપ્યા હતાં. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે હમાસ ગાઝાના રહેવાસીઓ પર નજીકના સમયગાળામાં હુમલા કરવાની યોજના બનાવી રહ્યું હોવાનું તેની પાસે વિશ્વસનીય અહેવાલો છે.પેલેસ્ટિનિયન નાગરિકો સામે આ આયોજિત હુમલો યુદ્ધવિરામ કરારનું સીધું અને ગંભીર ઉલ્લંઘન કરશે અને મધ્યસ્થી પ્રયાસો દ્વારા પ્રાપ્ત થયેલી નોંધપાત્ર પ્રગતિને નબળી પાડશે. જાેકે હમાસે આવા દાવાને ખોટા ગણાવીને ફગાવી દીધા હતાં અને ઇઝરાયલ પર તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં કાર્યરત સશસ્ત્ર જૂથોને ટેકો આપવાનો આરોપ આક્ષેપ કર્યાે હતો.
