અમેરિકામાં 10 દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકશે. હરિકેન મિલ્ટનને લઈને ફ્લોરિડામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નેશનલ હરિકેન સેન્ટરે તેને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી 5માં રાખ્યું છે. આ કેટેગરીના વાવાઝોડાને કારણે જાન-માલનું મોટું નુકસાન થવાનું જોખમ છે. વાવાઝોડું મિલ્ટન બુધવારે એટલે કે આજે ફ્લોરિડાના ટેમ્પા ખાડી સાથે ટકરાઈ શકે છે. સત્તાવાળાઓએ તોફાનના કારણે 1 મિલિયનથી વધુ લોકોને ટેમ્પા ખાડી વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, જેના પરિણામે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ અને બળતણની અછત સર્જાઈ હતી.
એર ફ્લાઈટ્સ થઈ પ્રભાવિત
વાવાઝોડાને કારણે ટામ્પા ખાડીના ઉત્તર અને દક્ષિણના દરિયાકિનારા પર 10 થી 15 ફૂટ ઊંચા મોજાં ઉછળવાની ધારણા છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરે 254 મીમી કે તેથી વધુ વરસાદની આગાહી કરી છે, પૂરનું જોખમ પણ બાકી છે. વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને ખરાબ રીતે અસર થઈ છે, લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી છે. બુધવાર માટે નિર્ધારિત 1,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા
હરિકેન મિલ્ટન હાલમાં મેક્સિકોના અખાતમાંથી પસાર થઈ રહ્યું છે. મંગળવાર સુધી તોફાનની ઝડપ 285 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ દરમિયાન ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. લગભગ 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અગાઉ અમેરિકામાં હેલેન વાવાઝોડાએ તબાહી મચાવી હતી. હેલેન વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 225 લોકોએ જીવ ગુમાવ્યા છે.
બિડેને જર્મની અને અંગોલાનો પ્રવાસ સ્થગિત કર્યો
વ્હાઇટ હાઉસે કહ્યું કે વાવાઝોડાને કારણે રાષ્ટ્રપતિ જો બિડેને જર્મની અને અંગોલાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. યુએસ પ્રમુખ જો બિડેને ફ્લોરિડામાં હરિકેન મિલ્ટન લેન્ડફોલ કરે તે પહેલા જે લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે લોકોને વિનંતી કરી છે. તેમણે કહ્યું કે ફ્લોરિડામાં સદી કરતાં પણ વધુ સમયમાં ત્રાટકેલું તે સૌથી ખરાબ વાવાઝોડું હોઈ શકે છે.
આ પણ વાંચો – શું તાઈવાન પાસેથી અબજો ડોલરનું રોકાણ લેવા માંગે છે ભારત? સરકારે બનાવી આ રણનીતિ