South Korea: સિયોલ: દક્ષિણ કોરિયામાં એક બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા 20 લોકોના મોત થયા છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. રોઇટર્સે યોનહાપ ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયામાં સોમવારે લિથિયમ બેટરી પ્લાન્ટમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આગની જ્વાળાઓ ઘણી ઉંચાઈ સુધી ઉછળતી જોવા મળી હતી. બચાવ કામગીરી દરમિયાન 20 લોકો ગુમ થયા હતા. બાદમાં આ તમામ 20 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
દક્ષિણ કોરિયાના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર સવારે 10:30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. રાજધાની સિયોલની દક્ષિણે આવેલા હ્વાસેઓંગમાં લિથિયમ બેટરીની ફેક્ટરીમાં આ ઘટના બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે. આગ લાગી તે સમયે ફેક્ટરીમાં લગભગ 70 લોકો હાજર હતા.