ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલનો હુમલો ચાલુ છે. તેણે ગુરુવારે મધ્ય ગાઝામાં નુસરત કેમ્પમાં એક શાળાને નિશાન બનાવી હતી. જેમાં બાળકો સહિત 17 પેલેસ્ટાઈનના મોત થયા હતા અને 42 ઘાયલ થયા હતા. દક્ષિણ લેબનોનમાં પણ ઈઝરાયેલના હુમલાના અહેવાલો છે. આ ઘટનામાં ઈઝરાયેલના પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને સાત સૈનિકો ઘાયલ થયા હતા. બીજી તરફ, લેબનીઝ સેનાએ પણ કહ્યું કે ઈઝરાયેલના હુમલામાં એક અધિકારી સહિત તેના ત્રણ સૈનિકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા.
ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, તેણે નુસરતના એક કમ્પાઉન્ડમાં હમાસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવ્યું હતું જેનો અગાઉ એક શાળા તરીકે ઉપયોગ થતો હતો. જ્યારે પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે શરણાર્થી શિબિરમાં આવેલી એક શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલે બુધવારે ગાઝામાં પણ અનેક સ્થળો પર હુમલો કર્યો હતો. જેમાં 42 લોકોના મોત થયા હતા. ઇઝરાયેલે તાજેતરના મહિનાઓમાં ઘણી શાળાઓને નિશાન બનાવી છે, જેને આશ્રયસ્થાનોમાં ફેરવવામાં આવી હતી.
હમાસ આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે
ઈઝરાયેલનું કહેવું છે કે તે નાગરિકોની વચ્ચે છુપાયેલા હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. જોકે, હુમલામાં ઘણીવાર મહિલાઓ અને બાળકોના મોત થાય છે. હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઇઝરાયેલમાં મોટો હુમલો કર્યો હતો, જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈઝરાયેલે ગાઝામાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી. આમાં અત્યાર સુધીમાં 42,847 પેલેસ્ટાઈનના મોત થયા છે.
ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો
ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં પણ હુમલો કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે હવાઇ હુમલામાં બેરૂતના ઉપનગરમાં હિઝબુલ્લાહના શસ્ત્રોના સંગ્રહ અને ઉત્પાદન કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું હતું. અહીં, સીરિયન સરકારી મીડિયા અનુસાર, ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો. અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે તેમનો દેશ નથી ઈચ્છતો કે લેબનોનમાં ઈઝરાયેલનું અભિયાન લાંબા સમય સુધી ચાલુ રહે. જ્યારે ઇઝરાયેલના આર્મી ચીફે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ અભિયાન ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના વ્યક્ત કરી છે.
ઇઝરાયેલનું પ્રતિનિધિમંડળ દોહા જશે
ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે દેશનું એક પ્રતિનિધિમંડળ રવિવારે દોહાની મુલાકાત લેશે. ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના ચીફ તેનું નેતૃત્વ કરશે. સીઆઈએ ડાયરેક્ટર અને કતારના વડાપ્રધાન સાથે મુલાકાત થશે. ગાઝામાં ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવા પર સમજૂતી માટે મંત્રણા ફરી શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
ફ્રાન્સ, જર્મની લેબનોનને મદદ કરશે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગુરુવારે અહીં એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં લેબનોનને મદદ કરવા માટે 100 મિલિયન યુરોના સહાય પેકેજની જાહેરાત કરી. તેમણે કહ્યું કે લેબનોનના લોકોને તાત્કાલિક વ્યાપક સહાયની જરૂર છે. જ્યારે જર્મનીએ લેબનોન અને સીરિયાની મદદ માટે 96 મિલિયન યુરો આપવાની વાત કરી છે.
ભારતે લેબનોનને માનવતાવાદી સહાયનો પ્રથમ હપ્તો સોંપ્યો
લેબનોનમાં ભારતના રાજદૂત નૂર રહેમાન શેખે ગુરુવારે લેબનોનને ભારત દ્વારા મોકલવામાં આવેલી માનવતાવાદી સહાયનો પ્રથમ હપ્તો સોંપ્યો. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી ફિરાસ અબિયાદને દવાઓનું કન્સાઈનમેન્ટ મળ્યું. લેબનોનમાં ભારતીય દૂતાવાસે લેબનોન સાથે ગાઢ સંબંધો મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો – BRICSની મજબૂતાઈથી પુતિનની વધશે તાકાત , રશિયાના રાષ્ટ્રપતિએ ટ્રમ્પ વિશે કહી મોટી વાત