
સંઘર્ષમાંથી બહાર આવવા માટે આકરી મહેનત કરી હતી: શેફાલી.ગયા સપ્તાહે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં બાવન રનના શાનદાર વિજય સાથે ભારતે વર્લ્ડ ટાઇટલ જીત્યું હતુભારતની વિમેન્સ વન-ડે વર્લ્ડ ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્મા છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં ન હતી અને ટીમમાં ટકી રહેવા માટે આકરી મહેનત કરી રહી હતી પરંતુ તેને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ખુદ શેફાલીએ કબૂલ્યું હતું કે છેલ્લા એક વર્ષથી પુનરાગમન કરવા માટે તેને આકરી મહેનત કરવી પડી હતી. ગયા સપ્તાહે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં બાવન રનના શાનદાર વિજય સાથે ભારતે વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરીને ૮૭ રન ફટકાર્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. જાેકે શેફાલીને વર્લ્ડ કપની મુખ્ય ટીમમાં સામેલ કરાઈ ન હતી પરંતુ પ્રતિકા રાવલ ઘાયલ થતાં તેને સ્થાને શેફાલીને ટીમમાં રમવાની તક મળી હતી અને આ તક ઝડપીને તેણે શાનદાર પુનરાગમન કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે છેલ્લા વર્ષમાં ઘણા સંઘર્ષાેનો સામનો કર્યાે છે અને પોતાની રમત સુધારવા માટે “અત્યંત સખત” મહેનત કરી છે જેને પરિણામે ઐતિહાસિક વર્લ્ડ કપનો મહિમા થયો છે.સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ માત્ર ભારત માટે જ નહીં પરંતુ શેફાલી વર્મા માટે પણ યાદગાર બની રહી હતી કેમ કે તેણે ૮૭ રન ફટકારવા ઉપરાંત ૩૬ રન આપીને હરીફ ટીમની બે મહત્વની વિકેટ ખેરવી હતી. રવિવારે એક કાર્યક્રમમાં શેફાલીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે તેણે પત્રકારો સાથે
વાતચીત કરતાં જણાવ્યું હતું કે છેલ્લું એક વર્ષ મારા માટે અત્યંત કપરું રહ્યું હતું. મારે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો પરંતુ મેં આકરી મહેનત જારી રાખી હતી અને મારા પ્રયાસોનું ભગવાને મને ફળ આપ્યું હતું.ઓસ્ટ્રેલિયા જેવી જાયન્ટ ટીમ સામેની સેમિફાઇનલના આગલા દિવસે જ શેફાલીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી હતી. જાેકે હરિયાણાની આ બેટર સેમિફાઇનલમાં ખાસ નોંધપાત્ર રમત દાખવી શકી ન હતી. આ અંગે શેફાલીએ જણાવ્યું હતું કે સેમિફાઇનલ અગાઉ હું ટીમ સાથે જાેડાઈ ત્યારે હું ટીમને વર્લ્ડ કપમાં વિજય અપાવવામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ હતી. ફાઇનલ હંમેશાં મોટું મંચ બની રહેતી હોય છે. સામાન્ય રીતે હું શરૂઆતમાં નર્વસ હતી પરંતુ મેં મારી જાતને કહ્યું હતું કે શાંત રહેવાનું છે અને ધીરજ રાખવાની છે. મેં મારી અંગત અને ટીમની રણનીતિ પર ફોકસ કર્યું હતું. કદાચ આ જ કારણે હું બેટિંગ અને બોલિંગ બંનેમાં સારી રમત દાખવી શકી હતી.શેફાલી તેના હોમટાઉન રોહતકમાં પરત ફરી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે તેણે યુવાન છોકરીઓને પોતાની જાત પર ભરોસો રાખવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે છોકરીઓએ કોઈ પણ ક્ષેત્રમાં જાય ત્યાં આત્મવિશ્વાસ દાખવવો જરૂરી છે. તેઓ જે પણ ક્ષેત્ર પસંદ કરે ત્યાં તેમણે આકરી મહેનત કરવાની રહેશે અને પોતાની જાત પર ભરોસો રાખશે તો તેમને જાેઇતું પરિણામ મળી રહેશે.ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાનો આદર્શ માનતી શેફાલીએ તેની કારકિર્દીના વિકાસ અને સ્વપ્ન સાકાર કરવા માટે પોતાના પરિવારનો આભાર માન્યો હતો અને તેમના સહકારથી જ આ કક્ષાએ પહોંચી હોવાનું કબૂલ્યું હતું.




