હવે ઉત્તર કોરિયા પણ યુક્રેન વિરુદ્ધ રશિયાના યુદ્ધમાં કૂદી પડ્યું છે. દક્ષિણ કોરિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા વતી લડી રહ્યા છે. ઓછામાં ઓછા 1500 સૈનિકો રશિયા પહોંચી ગયા છે. ઉત્તર કોરિયા તેના 12 હજાર સૈનિકો રશિયા મોકલશે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ આવો જ દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ઉત્તર કોરિયાના 10 હજાર સૈનિક રશિયા માટે યુદ્ધ લડી શકે છે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયાનું આ પગલું ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. રાષ્ટ્રીય ગુપ્તચર સેવાઓની બેઠક દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આ મામલે યુક્રેનના સંપર્કમાં છે અને AIનો ઉપયોગ કરીને ઉત્તર કોરિયાના અધિકારીઓને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેઓ યુક્રેનના ડોનેત્સ્કમાં હાજર છે અને રશિયા વતી ઉત્તર કોરિયાની મિસાઈલ છોડવામાં મદદ કરી રહ્યા છે.
એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ઉત્તર કોરિયાના સૈનિકો રશિયન સૈન્ય મથક પર પહોંચતા જોવા મળી રહ્યા છે. એજન્સીએ પુષ્ટિ કરી છે કે હથિયારો મોકલ્યા બાદ ઉત્તર કોરિયાએ પણ સૈનિકો મોકલવાનું શરૂ કરી દીધું છે. આ પહેલા ઉત્તર કોરિયાએ રશિયાને બેલેસ્ટિક મિસાઈલ, એન્ટી ટેન્ક રોકેટ અને 13 હજારથી વધુ કન્ટેનર સપ્લાય કર્યા હતા.
દક્ષિણ કોરિયાનું માનવું છે કે રશિયાને 80 લાખ આર્ટિલરી અને રોકેટ રાઉન્ડ મોકલવામાં આવ્યા છે. રશિયા અને ઉત્તર કોરિયા આ સમયે ખૂબ નજીક આવી ગયા છે. દક્ષિણ કોરિયાની એજન્સીએ પણ અમેરિકાનો સંપર્ક કર્યો છે અને આ મામલે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે જો આ વાત સાચી હોય તો તે ખતરાની ઘંટડી છે. આ સંઘર્ષને વધુ વધારી શકે છે. અમેરિકા અને નાટોએ તાત્કાલિક જવાબ આપવાની જરૂર છે.