
સ્પેને ટ્રમ્પને આપ્યો ઝટકો સ્પેને અમેરિકાના સૈન્ય વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધું રોટા અને મોરોન એર બેઝનો ઉપયોગ યુદ્ધ કે રિફ્યુઅલિંગ ઓપરેશન્સ માટે કરવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ત્રણેય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. ત્યારે દુનિયાભરમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઇ છે.
સ્પેનના અખબાર અલ પાઈસ (El País) ના અહેવાલ અનુસાર, સ્પેને ઈરાન સામેના યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી અમેરિકી સૈન્ય ફ્લાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધું છે. આ ઉપરાંત, સ્પેને તેના રોટા અને મોરોન એર બેઝનો ઉપયોગ યુદ્ધ કે રિફ્યુઅલિંગ ઓપરેશન્સ માટે કરવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ કડક વલણને કારણે વોશિંગ્ટનને મોરોન એર બેઝ પર B-52 અને B-1 બોમ્બર્સ તૈનાત કરવાનો પોતાનો પ્લાન રદ કરવાની ફરજ પડી છે. સ્પેન સરકાર સાથેની પરામર્શ બાદ અમેરિકાએ આ મોટો સૈન્ય ર્નિણય લેવો પડ્યો છે, જે મધ્ય પૂર્વના આ સંઘર્ષમાં અમેરિકા માટે એક મોટો રાજદ્વારી ફટકો માનવામાં આવી રહ્યો છે.
ઇરાન ઈઝરાયલ સાથે હવે જેવા સાથે તેવા જેવું વર્તન કરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા સતત આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા હતા ત્યારે ઈરાને પણ હવે એની જ ભાષામાં ઈઝરાયલને જવાબ આપ્યો છે. આ વખતે હાઇફામાં ઈઝરાયલની ઓઈલ રિફાઇનરીને નિશાન બનાવી છે. જેના પગલે ભારે ધૂમાડાની સાથે આગ ભડકતી દેખાઈ રહી છે.
ઈરાન વિરુદ્ધમાં દરરોજ કંઇક નવું થઇ રહ્યું છે. તેહરાન ઝૂકવા તૈયાર નથી ત્યારે અમેરિકા પણ યુદ્ધને ખતમ કરવા તૈયાર દેખાઇ રહ્યું નથી.
આ સૌની વચ્ચે મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈનિકોની સંખ્યા ૫૦૦૦૦ને વટાવી ગઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ૨૫૦૦ મરીન અને ૨૫૦૦ નાવિકોના નવા જથ્થાના આગમનથી ઘેરાબંદી મજબૂત થઈ ચૂકી છે. હવે ટ્રમ્પ ગમે ત્યારે આ યુદ્ધને લઇને મોટો ર્નિણય કરી શકે છે જેનાથી ઈરાન સહિત આખી દુનિયામાં અસર દેખાશે.




