
સંધિ ન થાય તો હોર્મુઝની ખાડીમાંથી નાકાબંધી નહીં હટે: ટ્રમ્પ ઈરાન-US વચ્ચે મડાગાંઠ યથાવત, યુદ્ધ વિરામની મંત્રણા અધ્ધરતાલ
અમેરિકાએ ઇરાનના ‘ટોસ્કા’ જહાજ પર હુમલો કરી કબજાે જમાવી લેતા ઈરાન અકળાયું, તહેરાને આગામી તબક્કાની વાટાઘાટોમાં ભાગ લેવા ઈનકાર કર્યાે યુએસ-ઈરાન વચ્ચે વાટાઘાટોના બીજા તબક્કા માટે પાકિસ્તાને તમામ તૈયારી કરી લીધી હતી. પરંતુ અમેરિકાએ ઈરાનના કાર્ગાે શિપ ‘ટોસ્કા’ પર હુમલો કરી કબજાે જમાવી લેતાં પરિસ્થિતિ વણસી છે. ઈરાને આ પગલાને શસ્ત્ર વિરામનો ભંગ ગણાવી વાટાઘાટોમાં ભાગ લેવા સાફ નનૈયો ભણી દીધો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સર્જાયેલી આ મડાગાંઠના પગલે ઈસ્લામાબાદ ખાતે યોજાનારી બીજા તબક્કાની વાટાઘાટો સામે જાેખમ ઊભું થયું છે. ઈરાનનું નાક દબાવવા હોર્મુઝની ખાડી ઉપરાંત ઈરાનના બંદરોની પણ નાકાબંધી કરેલી છે. રવિવારે યુએસ સૈન્ય દ્વારા ઈરાનના જહાજ ‘ટોસ્કા’ પર હુમલો કરવામાં આવ્યો હતો. જહાજને ક્ષતિગ્રસ્ત કરી અમેરિકી સેનાએ પોતાના કબજામાં લઈ લીધું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકાના સૈન્ય દ્વારા જહાજને આગળ નહીં વધવા ચેતવણી અપાઈ હતી, પરંતુ તેની અવગણના કરી જહાજ આગળ વધ્યું હતું.
અમેરિકાએ જહાજના સ્ટિયરિંગ ગીયર અને રડાર પર હુમલા કર્યા હતા. જહાજ મધદરિયે ઠપ થઈ ગયા બાદ તેને જપ્ત કરી લેવાયુ હતું. આ ઘટના બાદ ઈરાને વાટાઘાટોમાં ભાગ લેવા બાબતે અસંમતિ જાહેર કરી છે. યુએસ-ઈરાન વચ્ચે ૭ એપ્રિલે લાગુ થયેલો યુદ્ધ વિરામ બુધવારે પૂરો થઈ રહ્યો છે. આ પૂર્વે વાટાઘાટો માટે યુએસ ઉપપ્રમુખ જે ડી વેન્સ સહિતનું પ્રતિનિધિ મંડળ સોમવારે ઈસ્લામાબાદ પહોંચવાનું હતું. જાે કે વેન્સ પાકિસ્તાન જવાના બદલે વ્હાઈટ હાઉસમાં આગામી આયોજનો કરી રહ્યા હોવાના અહેવાલ છે. ઈરાન તરફથી પણ પાકિસ્તાનમાં વાટાઘાટો માટે જવા બાબતે કોઈ ખુલાસો થયો નથી. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ હવે યુદ્ધ વિરામને લંબાવવાના મૂડમાં સહેજ પણ નથી. યુએસ-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની આશા પર ઠંડુ પાણી ફરી વળતા ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની આશંકા છે. ટ્રમ્પે જણાવ્યુ હતું કે યુએસ-ઈરાન વચ્ચે કરાર ન થાય ત્યાં સુધી અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં કરેલી નાકાબંધી હટશે નહીં. હોર્મુઝની ખાડી ખોલવા માટે ઈરાન પર દબાણ વધારવા અમેરિકાએ ઈરાનના બંદરોની નાકાબંધી કરેલી છે. જેના કારણે ઈરાન સાથે સંકળાયેલા ૨૭ જહાજાેને પરત ફરવાની ફરજ પડી હતી. રવિવારે તો અમેરિકાએ ઈરાનનું એક જહાજ જપ્ત પણ કરી લીધું હતું. આ ઘટના બાદ અકળાયેલા ઈરાને યુદ્ધ વિરામને અર્થહિન ગણાવી અમેરિકાને વળતા જવાબની ચીમકી આપી છે.ઈરાન-યુએસ યુદ્ધ બાબતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રથમ વખત જાહેર નિવેદન આપ્યું છે. ઈરાન અને યુએસ દ્વારા હોર્મુઝની ખાડીમાં થયેલી ઘેરાબંધીનો વિરોધ કરતાં તેમણે કહ્યું હતું કે, હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને સામાન્ય જહાજાેની અવર-જવર માટે તે મુક્ત રહેવી જાેઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાય માટે હોર્મુઝની ખાડી અંકુશ રહિત રહે તે જરૂરી છે. જિનપિંગે સાઉદી પ્રિન્સ સાથે પણ આ બાબતે ફોન પર ચર્ચા કરી હતી. જિનપિંગે તમામ વિવાદને વાટાઘાટો મારફતે ઉકેલવા સલાહ આપી હતી. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં અમેરિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઈરાનના બંદરથી ચીન તરફ આવી રહેલા જહાજની નાકાબંધી કરી જપ્ત કરી લેવાની અમેરિકાની હરકતને તેમણે ચિંતાજનક જણાવી હતી.



